Ahmedabad Murder News: અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મ જેવી હત્યાથી હડકંપ
અમદાવાદના સરખેજના ફતેવાડી કેનાલ રોડ પર દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી. પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દીધેલી હાલતમાં મળી આવી. એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગેલા કિસ્સામાં ક્રાઈમબ્રાંચે તપાસ કરી ફરિયાદી મહિલાના ઘરના રસોડામાં ખોદકામ કરાવતા પતિનું હાડપિંજર મળી આવ્યું હતું. ક્રાઈમબ્રાંચે મહિલાના પ્રેમીની ઊંડી પૂછપરછ શરૂ કરી છે. ફતેવાડી કેનાલ રોડ પર આવેલા મકાનમાં સમીર બિહારી નામનો યુવક લાપતા બન્યાની ફરિયાદી પત્ની રૂબીએ એક વર્ષ અગાઉ સરખેજ પોલીસમાં નોંધાવી હતી. એક વર્ષથી જેનો પત્તો લાગતો ન હતો. તેવા કેસમાં ક્રાઈમબ્રાંચને શંકા ગઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ખાનગી રીતે વોચ રાખવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક વિસ્તારમાં રૂબીને કોઈની સાથે પ્રેમ હોવાની લોક ચર્ચા સાંભળવા મળી હતી. એવામાં બાતમીદાર થકી ખબર મળી હતી સમીર બિહારીની હત્યા થઈ હોઈ શકે છે કંઈક ગંભીર મામલો છે. ક્રાઈમબ્રાંચની ટીમે રૂબી અને તેની સાથે રહેતા ઈમરાન નામના શખ્સની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે પ્રેમી અને મહિલાની કબૂલાત બાદ રસોડામાં ખોદકામ કરતા હાડપિંજર મળી આવ્યું હતું. હાલ ક્રાઈમબ્રાંચે બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.





















