Ambalal Patel Prediction: ઓગસ્ટ મહિનામાં વરસાદ બોલાવશે ભૂક્કા, અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Prediction: ઓગસ્ટ મહિનામાં વરસાદ બોલાવશે ભૂક્કા, અંબાલાલ પટેલની મોટી આગાહી
અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનારાધાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે ઝાપટા વરસશે. જ્યારે 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.
કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 18મી ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે. 10 ઓગસ્ટ આસપાસથી અરબ સાગર સક્રિય થઈ જશે.આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ
અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.
















