Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર 15 દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ 17 કેસ કરવા બદલ મંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.





















