Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો હતો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. નાથાભાઈ પટેલના મતે, ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કૉંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે.
તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો.