Harsh Sanghvi Responds to Gagji Sutariya: ગગજી સુતરિયાના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રીનો જવાબ
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગગજી સુતરિયાના નિવેદન અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. તેમણે ગગજી સુતરિયાને સામાજિક આગેવાન ગણાવ્યા અને કહ્યું કે તેઓ મહિલા સશક્તિકરણ માટે હંમેશા તત્પર રહે છે. હર્ષ સંઘવીએ ગગજી સુતરિયાના નિવેદનનો અર્થઘટન કરતા કહ્યું કે, તેમનો કહેવાનો મુખ્ય ધ્યેય દીકરીઓ આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય તેવું હું માનું છું. (એટલે કે શાબ્દિક રીતે રિવોલ્વર રાખવાને બદલે સુરક્ષા દળોમાં જોડાઈને સશક્ત બને).
ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને ગુનેગારોને સજા અપાવવા અંગે સરકારની કામગીરી ગણાવી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૧૦૦ દિવસની અંદર અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં સરકારને સફળતા મળી છે. તેમણે ભરૂચના અંકેશ્વરના કેસનું ઉદાહરણ આપ્યું, જ્યાં ૭૨ દિવસના સમયમાં ગુનેગારને ફાંસીની સજા સંભળાવવામાં આવી. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે, ગુજરાતમાં 'તારીખ પે તારીખ'ની માન્યતા હતી તેને તેમની સરકારે દૂર કરી છે અને ગુજરાત પોલીસે ગણતરીના દિવસોમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. તેમણે છેલ્લા ૧૦૦ દિવસમાં ૧૧ જેટલા ગુનેગારોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોવાનું પણ જણાવ્યું.



















