Saurashtra Rain : સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ, વેરાવળમાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામે વરસાદના પાણી ફરી વળ્યા હતા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આંબળાસ ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. જૂનાગઢનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો હતો. માળિયા હાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા, ધણેજ ગામને એલર્ટ કરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી.
જૂનાગઢના કેશોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના મેંદરડામાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મધુવંતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચિરોડા, ચોરેશ્વર, સાત વડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

















