Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, કાલે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, કાલે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 23 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.
આગામી દિવસોમાં વરસાદની સંભાવના:
આજે (23 ઓક્ટોબર): દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘ ગર્જના સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે.
24 ઓક્ટોબર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 ઓક્ટોબર: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.
26 ઓક્ટોબર: રાજ્યના છૂટાછવાયા સ્થળોએ મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોના માથે હજુ કમોસમી વરસાદનું સંકટ છે. 29 ઑક્ટોબર સુધીમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવા વર્ષે જ મિની વાવાઝોડા જેવો વરસાદ!
તો બીજી તરફ વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા હતા. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી હતી. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.
વલસાડમાં ચોમાસાની માફક અનરાધાર વરસાદ
વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ હતી. ચોમાસાની જેમ જ, બપોર બાદ આખા જિલ્લામાં સાર્વત્રિક રીતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.



















