Operation Sindoor: પાકિસ્તાનમાં લશ્કરનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઠાર, ભારતમાં 3 હુમલામાં સામેલ હતો
ઓપરેશન સિંદૂરથી સ્તબ્ધ થયેલા પાકિસ્તાની આતંકવાદીઓ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. નાગપુરમાં RSS મુખ્યાલય પર 2006માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબા કમાન્ડર અબુ સૈફુલ્લાહ પાકિસ્તાનમાં માર્યો ગયો. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અબુ સૈફુલ્લાહની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે લાંબા સમયથી નેપાળથી પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. જોકે, હાલમાં તે સિંધ પ્રાંતના મતલી બદીનથી કામ કરી રહ્યો હતો. આ આતંકવાદી ભારતમાં ત્રણ હુમલાના કાવતરામાં સામેલ હતો.
નેપાળમાં લશ્કર-એ-તૈયબાના સમગ્ર મોડ્યુલને સંભાળતો
લશ્કરના આ આતંકવાદીનું નામ અબુ સૈફુલ્લાહ ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે રાજુલ્લાહ નિઝામની હતું. માહિતી અનુસાર, તે નેપાળમાં લશ્કર-એ-તૈયબાના સમગ્ર મોડ્યુલને સંભાળતો હતો. તેનું મુખ્ય કાર્ય લશ્કરની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કેડર અને નાણાકીય મદદ પૂરી પાડવાનું હતું.
















