Jammu-Kashmir Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં ભારે વરસાદ સાથે વાદળ ફાટવાથી સ્થિતિ વધુ વિકટ બની
જમ્મૂ-કશ્મીરમાં ભારે વરસાદ સાથે વાદળ ફાટવાથી સ્થિતિ વધુ વિકટ બની. ભૂસ્ખલન સહિતની વિવિધ વરસાદી ઘટનાઓમાં અત્યાર સુધી 41 લોકોના મોત થયા છે. મોટાભાગના વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે..જેઓ પર ભૂસ્ખલનની આફત આવી પડી. આ અનેક લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન, NDRF બાદ હવે સેના પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. હેલિકોપ્ટરની મદદથી લોકોને રેસ્ક્યૂ કરાઈ રહ્યા છે. જમ્મૂની નદીઓએ પણ ભયજનક સપાટી વટાવી લેતા ચારે તરફ પાણી ફરી વળ્યા છે. જમ્મૂમાં વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.. જમ્મૂમાં 24 કલાકમાં15 ઈંચ, ઉધમપુરમાં 25 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જમ્મૂ સાથે જોડાયેલી 60થી વધુ ટ્રેનો પણ રદ કરી દેવાઈ છે. પ્રભાવિત વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી છે. જેને કારણે રેસ્ક્યૂ માટે લોકોનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.





















