Mehsana BJP: બહુચરાજીમાં તાલુકા ભાજપ પ્રમુખ-ધારાસભ્ય વચ્ચે આંતરિક વિખવાદ સપાટી પર
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. તાજેતરમાં યોજાયેલા નવા ચૂંટાયેલા સરપંચોના સન્માન સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર ની ગેરહાજરીએ આ વિવાદને વધુ વેગ આપ્યો છે, જેના પગલે તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ અને ધારાસભ્ય સુખાજી ઠાકોર વચ્ચે ગંભીર આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થયો છે.
તાલુકા પ્રમુખના આરોપો: સંકલનનો અભાવ?
તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈએ ધારાસભ્ય સુખાજી ઠાકોર પર ગંભીર આરોપો લગાવ્યા છે. દેસાઈએ જણાવ્યું કે, ધારાસભ્ય સુખાજી ઠાકોર બહુચરાજીમાં જ હાજર હોવા છતાં સરપંચ સંમેલનમાં હાજર રહ્યા નહોતા. તેમણે ભૂતકાળના દાખલા ટાંકતા કહ્યું કે, "ભૂતકાળમાં પણ અમારા ઘણા કાર્યક્રમોમાં તેઓ હાજર રહ્યા નથી." દેસાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાજપના તાલુકા સંગઠન અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમણે કમલેશ દેસાઈ પર 'હાજર હોવા છતાં ગેરહાજર રહ્યા' હોવાનો આરોપ પણ લગાવ્યો.
કમલેશ દેસાઈએ સુખાજી ઠાકોર પર એવો પણ આરોપ મૂક્યો કે ભાજપે પ્રમુખ બનાવ્યા હોવા છતાં, ધારાસભ્ય કાર્યાલય હોવા છતાં, તેમણે અલગ કાર્યાલય બનાવ્યા છે. કમલેશ દેસાઈના મતે, આ બાબતો દર્શાવે છે કે ધારાસભ્ય તાલુકા સંગઠનને વિશ્વાસમાં લેતા નથી.
તાલુકા પ્રમુખના આરોપોના જવાબમાં, ધારાસભ્ય સુખાજી ઠાકોરે પણ કમલેશ દેસાઈ પર ગંભીર વળતા પ્રહારો કર્યા છે. ઠાકોરે આક્ષેપ કર્યો કે, "તાલુકા પ્રમુખે ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું છે." તેમણે ઉમેર્યું કે, "તાલુકા પ્રમુખ પોતે જ તાલુકાના આગેવાન સમજીને મનસ્વી રીતે પાર્ટી ચલાવે છે. તેઓ પાર્ટીને મોટી કરવા નહીં, પરંતુ પોતે મોટા થવા માટે કાર્યક્રમો કરે છે."
સુખાજી ઠાકોરે પોતાની ગેરહાજરીનો બચાવ કરતા કહ્યું કે, તેમને કાર્યક્રમ માટે ફક્ત એક દિવસ અગાઉ આમંત્રણ મળ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે, ધારાસભ્ય તરીકે તેમના કાર્યક્રમો અગાઉથી નિર્ધારિત હોય છે, જેના કારણે તેમને સમયસર પહોંચવું શક્ય બન્યું નહોતું. તેમણે કમલેશ દેસાઈ પર ધારાસભ્ય કે અન્ય કોઈ કાર્યકરને વિશ્વાસમાં લીધા વગર કાર્યક્રમો યોજતા હોવાનો પણ આરોપ લગાવ્યો, જે દર્શાવે છે કે બહુચરાજી ભાજપમાં આંતરિક ખેંચતાણ ટોચ પર છે અને આગામી સમયમાં આ વિવાદ કયો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.





















