(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Flood | Shaktisinh Gohil | ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો શક્તિસિંહ ઉઠાવશે સંસદમાં
ગુજરાતમાં વરસાદના કારણે ખૂબ મોટાપાયે થયેલ તારાજીનો પ્રશ્ન અને સરકાર દ્વારા જરૂરી લેવાના પગલાંઓમાં નિષ્ફળતાનો મુદ્દો સોમવારે સંસદમાં ઉઠશે. ગુજરાતમાં વરસાદના કારણે ખૂબ મોટાપાયે તારાજી થઈ છે. આ તારાજીનો પ્રશ્ન અને સરકાર દ્વારા જરૂરી લેવાતા પગલાંઓમાં નિષ્ફળતાનો મુદ્દો સોમવારે સંસદમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ઉઠાવવામાં આવશે. ગુજરાતમાં વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાની આવી છે. ગુજરાતના નગરો અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે, પરંતુ હકીકતમાં વરસાદી પાણીના નિકાલના બદલે ખૂબ મોટાપાયે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલિભગતનો ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે શહેરો અને નગરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોના ઘર તથા ધંધા રોજગારના સ્થાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ન કલ્પી શકાય તેવું મોટાપાયે નુકસાન થયું છે. દર વર્ષે ઘેડ જેવા અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે. આ વર્ષો વર્ષની સમસ્યા હોવા છતાં ગુજરાત સરકારે કોઈપણ નક્કર પ્લાન એના માટે બનાવેલો નથી. વેરાવળમાં ગયા વખતે જે સોસાયટીમાં પાણી ઘૂસવાથી જાનહાનિ થઈ હતી ત્યાં કમ સે કમ એક વર્ષનો સમય મળ્યો હતો ત્યારે સરકારે પાણીના નિકાલ માટેની પુરતી વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી, પરંતુ આવી કોઈ વ્યવસ્થા નહીં કરી હોવાના કારણે આ વર્ષે પણ એ જ વિસ્તારોમાં ખૂબ મોટાપાયે પાણી ઘૂસી જવાના કારણે બે યુવાનોના મૃત્યુ થયા છે. સમગ્ર ગુજરાતમાં જાનહાનિનો આંકડો પણ ઊંચો છે અને જે તારાજી થઈ છે એ ન કલ્પી શકાય તેવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સોનગઢ કે વ્યારાથી લઈને સૌરાષ્ટ્રના પોરબંદર, ઘેડ અને દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં ન કલ્પી શકાય તેવી તારાજી થઈ છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા જે બચાવ, રાહત અને પુનઃવસનની કામગીરી થવી જોઈએ તે બિલકુલ નથી થઈ. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈપણ વાવાઝોડા કે નુકસાનથી ખેડૂતો, વેપારીઓ કે મજદુરોને નુકસાન જતું તો તેમને તુરત જ પૂરેપૂરી રાહત આપવામાં આવતી હતી. રોજનું લઈને રોજ ખાનાર વ્યક્તિને કેશડોલ્સની સહાય મળતી હતી અને જમીનોનું ધોવાણ થયું હોય તો સરકારી ખર્ચે પુનઃવસન કરવામાં આવતું હતું. હાલની સરકારે કોઈપણ યોગ્ય વળતરની દરકાર કરેલી નથી. આ વર્ષના બજેટમાં પણ પૂર આવે છે માટે બિહારને સ્પેશિયલ નાણાની જોગવાઈ કરીને વારંવાર બિહાર અને માત્ર આંધ્રપ્રદેશનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના ટેકાથી સરકાર ચલાવવાની છે માટે કૃષિ બચાવવા માટે બે જ રાજ્યોને વિવિધ યોજનાઓનો હજારો કરોડનો લાભ આપ્યો છે. આપણા ગુજરાતનો બજેટમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ગુજરાતમાં જે વરસાદી પાણી અને વરસાદી પાણીના કારણે નુકસાન થાય છે તેના માટે તેવા વિસ્તારો માટે બજેટમાં એકપણ રૂપિયાની જોગવાઈ કેન્દ્ર સરકારે કરી નથી. ગુજરાતમાં વરસાદના કારણે થયેલા આ પ્રકારના બધા મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઝીરો અવર્સની નોટિસ આપી છે, જે માન્ય થઈ ગઈ છે અને સોમવારે ઝીરો અવર્સના ક્રમમાં ત્રીજા નંબર ઉપર રાજ્યસભામાં ઉઠાવવામાં આવશે.