Valsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Gujarat Rain: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વલસાડમાં મેઘરાજા કોપાયમાન થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ધોધમાર વરસાદથી વલસાડ જળબંબાકાર થયુ છે. વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. એમ.જી રોડ,તિથલ રોડ, છિપવાડ ગરનાળા સહિતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે, સ્થાનિકો વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન પણ દેખાઇ રહ્યાં છે.