Valsad Rain Alert : વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતી કાલે સ્કૂલ-આંગણવાડીમાં રજા જાહેર
Valsad Rain Alert : વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતી કાલે સ્કૂલ-આંગણવાડીમાં રજા જાહેર
Valsad waterlogging news: દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી અને સુરત જિલ્લા માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં થઈ રહેલા ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા કલેક્ટરે ટ્વીટ દ્વારા આવતીકાલે સોમવાર (29 સપ્ટેમ્બર)ના રોજ તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી છે. આ ઉપરાંત, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની સપાટી વધી છે અને આજે સાંજે 4:30 વાગ્યે તબક્કાવાર 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેના પગલે દમણગંગા નદી કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વલસાડમાં વરસાદનો કહેર: શાળા-આંગણવાડી બંધ
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી માહોલ યથાવત છે. આજે (28 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કપરાડામાં 3 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, અને ઉમરગામ, ધરમપુર, વલસાડ, વાપીમાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી છે, જેના પગલે જિલ્લા કલેક્ટરે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આવતીકાલે સોમવારે (29 સપ્ટેમ્બર) તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને પણ આગામી ચાર દિવસ માટે હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.





















