(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તરાખંડનાઃ CM પાસે ફરિયાદ લઇને પહોંચી વિધવા મહિલા ટિચર, કેમ કરી સસ્પેન્ડ ?
નવી દિલ્હીઃ સતાના નશા રાજનેતાઓ પર કેટલી હદે હાવી થઇ જાય છે તેનું એક ઉદાહરણ જોવા મળ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના જનતા દરબારમાં પહોંચેલી એક વિધવા શિક્ષિકાએ જ્યારે પોતાની સમસ્યા મુખ્યમંત્રીને જણાવી તો તેઓ ભડકી ઉઠ્યા હતા અને શિક્ષિકાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. રાવતને મહિલા ટિચરના શબ્દો સામે વિરોધ હતો.
મહિલા ટિચર પોતાની ફરિયાદમાં ટ્રાન્સફર નહી કરવાને લઇને કહે છે કે હું 25 વર્ષથી કામ કરી રહી છું. મારા પતિનું મોત થઇ ગયું છે. મારા બાળકોની સંભાળ રાખનાર કોઇ નથી. હું મારા બાળકોને એકલા છોડી શકું તેમ નથી. હું નોકરી પણ છોડી શકતી નથી. તમારે મારી સાથે ન્યાય કરવો પડશે.
ટિચરની આ દલીલ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યારે તમે નોકરી શરૂ કરી ત્યારે તમે શું લખીને આપ્યું હતું. જેના પર ટિચરે કહ્યું કે, મે એ લખીને નહોતું આપ્યું કે, હું વનવાસ ભોગવીશ. તમારો નારો છે બેટી બચાઓ-બેટી પઢાઓ. એ નહી કે વનવાસ મોકલવાનું.
જેના પર મુખ્યમંત્રી ભડક્યા હતા અને કહ્યું કે, તમે શિક્ષિકા છો, નોકરી કરો છો. થોડી સભ્યતાથી વાત કરો. મહિલા બોલતી રહી જેના પર ગુસ્સે ભરાયેલા મુખ્યમંત્રીએ કહ્યું કે, હું તમને સસ્પેન્ડ કરી દઇશ. જેના પર મહિલાએ કહ્યું કે, તમે શું સસ્પેન્ડ કરશો હું પોતે ઘરે બેઠી છું. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ મુખ્યમંત્રીના આદેશ બાદ મહિલાની અટકાયત કરી હતી.