Food Oil Production : તેલના ભાવમાં અચાનક કેમ થયો ઘટાડો, કારણ આવ્યું સામે
દેશમાં લાખો હેક્ટરમાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય દેશો પર દેશના તેલની નિર્ભરતા પણ ઘણી વધારે છે.
Food Oil Production In India: શિયાળો ધીમે જામી રહ્યો છે અને ઠંડી દિવસે દિવસે વધી રહી છે. બીજી બાજુ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. આ સિઝન તેલના વપરાશ માટે યોગ્ય છે. પરંતુ બજારની હાલની સ્થિતિ પર નજર કરીએ તો તેલના ભાવમાં બજારમાં ઘટાડો થયો છે. જોકે કેટલીક જગ્યાએ તેનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આમ થવા પાછળ નિષ્ણાતો ઘણા કારણો આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સરસિયાનું તેલ, સીંગતેલ, સોયાબીન તેલીબિયાં, કાચુ પામ ઓઈલ અને પામોલિન ઓઈલના ભાવમાં પહેલા કરતા સુધારો થયો છે. જ્યારે આયાતી તેલના સસ્તા થવાની અસર સોયાબીનના તેલ પર પડી છે. તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.
9 લાખ ટનની આયાત
દેશમાં લાખો હેક્ટરમાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય દેશો પર દેશના તેલની નિર્ભરતા પણ ઘણી વધારે છે. અહેવાલ અનુસાર ગત નવેમ્બરમાં પૂરા થયેલા તેલ વર્ષમાં 6.8 ટકાનો વધારો એટલે કે લગભગ 9 લાખ ટન ખાદ્ય તેલની આયાત નોંધાઈ હતી. ખાદ્ય તેલની આયાત પરનો વિદેશી હૂંડિયામણ ખર્ચ પણ રૂ. 1,17,000 કરોડથી વધીને રૂ. 1,57,000 કરોડ થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, દેશના તેલીબિયાં પાકોના ભાવ થોડા વધારે છે, જ્યારે આયાતી તેલ બજારમાં સસ્તું છે. સસ્તા તેલના કારણે દેશમાં સ્થાનિક તેલના ભાવ પર અસર જોવા મળી રહી છે.
સૂર્યમુખી, સોયાબીન તેલના ભાવમાં ઘટાડો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો સૂર્યમુખી અને સોયાબીન તેલની કિંમતની વાત કરવામાં આવે તો, છેલ્લા 6 મહિનામાં વિદેશમાં તેની કિંમતમાં લગભગ 70-90 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો છે. આ તેલના ભાવ સુધારવા માટે આયાત ડ્યુટી ફ્રી બનાવતી વખતે ક્વોટા સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. પરંતુ તેની પણ કિંમતો પર બહુ અસર જોવા મળી નથી.
ભારે માંગ પરંતુ થોડો સુધારો
નીચા ભાવને કારણે ક્રૂડ પામ ઓઈલ અને પામોલિન ઓઈલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ માંગને કારણે વપરાશમાં વધારો થયો છે. આ કારણે તેમની કિંમતોમાં થોડો સુધારો જોવા મળ્યો છે. જો કે, આ ઉત્પાદનોના વપરાશ પાછળ વધુ એક બાબત સામે આવી છે કે પામ, પામોલીન દેશી તેલના ભાવ પર બહુ અસર કરતું નથી. તેનો ઉપયોગ નબળા વર્ગના લોકો દ્વારા વધુ થાય છે. દેશી તેલ અને તેલીબિયાં પર સૌથી વધુ અસર સૂર્યમુખી અને સોયાબીન જેવા તેલમાં જોવા મળે છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો તેનો વધુ ઉપયોગ કરે છે.