મોતીહારીમાં સગી બહેન અને તેના પ્રેમીની કરપીણ હત્યા, વાંધાજનક હાલતમાં જોતાં ભાઈએ ગુસ્સામાં હથોડો ઝીંક્યો
પૂર્વ ચંપારણ જિલ્લામાં બનેલી ઘટનાથી ચકચાર, મૃતક યુવક સામે હત્યા અને વાહન ચોરીના અનેક ગુના નોંધાયેલા.

Motihari double murder: બિહારના મોતીહારીમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાની સગી બહેન અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી નાખી છે. પૂર્વ ચંપારણ જિલ્લાના કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોકવા ગામમાં ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. યુવતીના ભાઈએ પોતાની બહેનને તેના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોતાં આવેશમાં આવીને હથોડી વડે બંને પર ઘાતક હુમલો કર્યો હતો, જેના પરિણામે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક પ્રેમીની ઓળખ વિકાસ કુમાર તરીકે થઈ છે, જે કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દરમહા પંચાયતના રઘુનાથપુરનો રહેવાસી હતો. જ્યારે યુવતી ત્રિલોકવા ગામની વતની હતી. ઘટનાની જાણ થતાં જ કેસરિયા પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ચાકિયાના એસડીપીઓ સત્યેન્દ્ર કુમાર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો દોર શરૂ કર્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિકાસ કુમાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તે બે મહિના પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો. તેના વિરુદ્ધ હત્યા અને વાહન ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તાજેતરમાં રામ નવમીના તહેવાર દરમિયાન પણ કેસરિયા પોલીસે વિકાસ કુમાર સામે કાર્યવાહી કરી હતી.
આ ઘટના અંગે માહિતી આપતાં ચાકિયાના એસડીપીઓ સત્યેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે યુવતીના ભાઈએ પોતાની બહેનને તેના પ્રેમીના ઘરે વાંધાજનક સ્થિતિમાં રંગે હાથે પકડી હતી. આથી ગુસ્સે ભરાયેલા ભાઈએ ઘરમાં પડેલા હથોડાથી પોતાની બહેન અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આરોપી ભાઈની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યામાં વપરાયેલ હથોડી પણ જપ્ત કરી છે.
એફએસએલની ટીમે ઘટનાસ્થળનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે અને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના ઓનર કિલિંગનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને લોકો આ ક્રૂર હત્યાકાંડથી સ્તબ્ધ છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.





















