CRIME NEWS: સુરતમાં વધુ એક હત્યા, યુવકને રસ્તા વચ્ચે છરી ઘા ઝીંકી રહેશી નાખવામાં આવ્યો
CRIME NEWS: સુરતના વરાછા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકની બે ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. હત્યાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
CRIME NEWS: સુરતના વરાછા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકની બે ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. હત્યાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આ બનાવમાં પીસીબી પોલીસે હત્યા કરનાર એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. સુરતના માતાવાડી સ્થિત ઈશ્વર કૃપા સોસાયટી પાસે પત્ની અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યે કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો.
ખુશાલે ઈશારો કરી બોલાવતા કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે જ બાઈક ઉપર બે લોકો આવ્યા અને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા. આ સમગ્ર બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ચાર ધા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા વચ્ચે ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો હતો. તે બનાવમાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે ઝઘડાની અદાવતમાં જ ગતરાત્રે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ મિત્ર હર્ષ ગામી સાથે મળી ખુશાલને રહેંસી નાંખ્યો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી નામના ઇસમ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવે છે. વરાછામાં ઘટેલી ઘટના અંગે એસીપી પી.કે. પટેલે જણાવ્યું હતું કે, રાત્રીના સમયે ખુશાલ કોઠારી નામના ઈસમને ચપ્પુના ઘા મારી બે ઈસમોએ હત્યા કરી હતી. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. વધુમાં આરોપીઓ અને મૃતક વચ્ચે એકાદ માસ પહેલાં ઝઘડો થયો હતો.
આ ઉપરાંત આરોપીઓ જેલમાંથી જામીન પર છુટ્યા હતા અને અંગત અદાવતનો બદલો લેવા હત્યા કરી હતી. વધુમાં એસીપીએ જણાવ્યું હતું કે, મૃતક ખુશાલ કોઠારી વિરુદ્ધ સુરતના જુદા જુદા પોલીસ મથકમાં મારામારી તેમજ લૂંટ, જેવા ગુના નોંધાયેલા છે.આ ઘટનામાં પીસીબી પોલીસે હત્યા કરનાર આરોપી પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝાને ઝડપી પાડ્યો હતો. આરોપી હત્યાના બનાવ બાદ સુરત શહેર છોડી ભાગવાની ફિરાકમાં હત અને તે સરથાણા ડાયમંડ નગર ચાર રસ્તા પાસે ઉભો હતો તે દરમિયાન જ પીસીબી પોલીસે તેને ઝડપી પાડી તેનો કબજો વરાછા પોલીસને સોપ્યો હતો.