પ્રેમજાળમાં ફસાવી HIV ફેલાવનાર નરાધમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, અનેક યુવતીઓ ભોગ બની
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 માસથી ગુમ સગીરાને મધ્યપ્રદેશથી શોધી, આરોપી છેલ્લા 12 વર્ષમાં છ યુવતીઓનું શોષણ કરી ચૂક્યો છે.

HIV-positive youth arrested: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારા કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક HIV ગ્રસ્ત યુવક દ્વારા છ થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં 10 માસથી ગુમ એક સગીરાને મધ્યપ્રદેશમાંથી શોધી કાઢી આરોપી યુવકની ધરપકડ કરી છે.
આ ઘટનાની શરૂઆત ગત ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ થઈ હતી, જ્યારે જેતલપુરથી આવેલી એક સગીરા તેના માતા-પિતા સાથે અમદાવાદના અસારવા વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. સાંજે આઠ વાગ્યાની આસપાસ સગીરા અચાનક ગુમ થઈ ગઈ હતી, જેના પગલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરાના પિતાએ પોતાની દીકરીને શોધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી પણ દાખલ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા, સગીરાને મધ્યપ્રદેશના બીજોરી જિલ્લાના કોતમા ગામમાંથી શોધી કાઢવામાં આવી હતી અને સગીરાને ફોસલાવીને લઈ જનાર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ HIV ગ્રસ્ત તરીકે થઈ હતી અને તેની પૂછપરછ દરમિયાન અત્યંત ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા ૮-૧૦ વર્ષથી HIVથી પીડિત છે અને છેલ્લા ૧૨ વર્ષમાં તેણે છ થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું છે. સગીરાના પિતાના વ્યવસાયની નજીક જ આરોપી પણ કામ કરતો હતો, જેના કારણે તે સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને શરૂઆતમાં તેને બારેજામાં ભાડે રાખેલા રૂમમાં સંતાડી હતી.
સગીરાને સંતાડવામાં આરોપીના ભાઈ અને માતા પણ સામેલ હતા. આરોપી સગીરાને દિવસમાં બે વાર જમવાનું આપીને રૂમને બહારથી તાળું મારી દેતો હતો, જેથી કોઈને તેની હાજરીની જાણ ન થાય. કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે આરોપીના વકીલે તેને સલાહ આપી હતી કે સગીરા પુખ્ત વયની ન થાય ત્યાં સુધી બારેજાથી દૂર ભાગી જવું.
આ સલાહને પગલે આરોપી સગીરાને સુરત, ઔરંગાબાદ, બીડ, હૈદરાબાદ, નાગપુર અને છેવટે છત્તીસગઢના બિલાસપુર અને બૈકુંઠપુર સહિત અનેક શહેરોમાં ફેરવતો રહ્યો હતો. અંતે, તેઓ મધ્યપ્રદેશમાં સ્થાયી થયા હતા. અમદાવાદ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મધ્યપ્રદેશ પોલીસની મદદથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા.
આ પણ વાંચો...
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ





















