Crime News: પાટણના લુખાસણમાં અંધશ્રદ્ધાનો ખેલ; વિધિ કરવાની ના પાડતા ભત્રીજો ધોકો લઈને પર કાકા પર તૂટી પડ્યો, લોહીલુહાણ હાલતમાં...
ઘરની આર્થિક સ્થિતિ અને માતાના મૃત્યુનો વહેમ, વિધિનો ઇનકાર ભારે પડ્યો: પોલીસે આરોપી ભત્રીજાને દબોચ્યો.

Patan Crime: આજની 21st સદીમાં જ્યાં દેશ ટેક્નોલોજી અને આધુનિકરણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે બન્યો છે, જ્યાં એક ભત્રીજાએ અંધશ્રદ્ધામાં વહેમ રાખીને પોતાના પિતરાઈ કાકા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
અંધશ્રદ્ધા અને બદલાની ભાવના: ઘટનાક્રમ
લુખાસણ ગામે રહેતા કિશન નામના આરોપીના ઘરમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક સ્થિતિ સારી ન રહેતી હોવાથી અને પરિવારના સભ્યો વારંવાર અસ્વસ્થ રહેતા હોવાથી તેણે ભુવાની મદદ લીધી હતી. ભુવાજીએ 'દેવદુખ' હોવાનું કહીને તેની નિવારણ માટે વિધિ કરવાની વાત કરી હતી. જોકે, આરોપી કિશનના પિતરાઈ કાકા જીવાભાઈ દેવીપૂજક, જેઓ સામાજિક આગેવાન પણ હતા, તેઓ આ વાતથી સહમત ન થયા અને દેવદુખ વાળવાની વિધિ કરવા દીધી નહીં.
આ દરમિયાન, લગભગ એકાદ વર્ષ પહેલા આરોપી કિશનના માતાનું બીમારીના કારણે મૃત્યુ થયું. માતાના મોત બાદ કિશનના મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ અને તેને વહેમ થયો કે માતાનું મોત બીમારીથી નહીં, પરંતુ દેવદુખના કારણે થયું છે, અને તેના કાકા જીવાભાઈએ આ દેવદુખ દૂર ન કરવા દીધું તેનું જ આ પરિણામ છે. આ જ મનદુઃખ રાખીને 7મી જુલાઈના રોજ રાત્રીના સમયે કિશને એકલતાનો લાભ લઈને ઘર આંગણામાં સૂઈ રહેલા કાકા જીવાભાઈ પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો. માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસની કાર્યવાહી અને આરોપીની ધરપકડ
હુમલા બાદ ઈજાગ્રસ્ત જીવાભાઈના પુત્ર જીતેન્દ્ર દેવીપૂજકે સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિદ્ધપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ, FSL (Forensic Science Laboratory) અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી અને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે જાણવા મળ્યું કે કિશન સંપતભાઈ દેવીપૂજક નામના ઈસમે આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સરસ્વતી નદીના પટમાંથી આરોપી કિશન દેવીપૂજકને ઝડપી પાડ્યો અને પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરી.
આરોપીનો કબૂલાત અને ચોંકાવનારો ખુલાસો
પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી કિશને પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું કે અંધશ્રદ્ધા અને બદલાની ભાવનાથી તેણે પોતાના પિતરાઈ કાકા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેણે કબૂલાત કરી કે ઘરમાં આર્થિક સ્થિતિ સારી ન રહેતી અને સભ્યો અસ્વસ્થ રહેતા હોવાથી બે વર્ષ પહેલા ભુવાજી જોડે જોવળાવેલું હતું. ભુવાજીએ 30 વર્ષ જૂનું દેવદુખ હોવાનું કહીને માતા વળાવવાની વિધિ કરવાનું કહ્યું હતું. પરંતુ કાકા જીવાભાઈએ સામાજિક આગેવાન હોવાથી આ વાત સ્વીકારી ન હતી અને વિધિ કરવા દીધી ન હતી.
આ દરમિયાન, એકાદ વર્ષ પહેલા કિશનના માતાનું બીમારીના કારણે અવસાન થયું. આ ઘટના બાદ કિશનના મનમાં વહેમ ઘર કરી ગયો કે માતાનું મૃત્યુ બીમારીથી નહીં, પરંતુ દેવદુખના કારણે થયું છે, અને કાકા જીવાભાઈએ તે દેવદુખ દૂર ન કરવા દીધું તેનું જ આ પરિણામ છે. આ જ મનદુઃખ રાખીને તેણે 7મી જુલાઈની રાત્રે કાકા પર હુમલો કર્યો હતો.
ભોગ બનનારની સ્થિતિ અને સમાજ માટે સંદેશ
હુમલામાં જીવાભાઈ દેવીપૂજકને જમણી આંખની નીચે, ગાલ પર અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. હાલ તેઓ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આરોપી કિશન દેવીપૂજકની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે. 21st સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માનીને આવા ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, કિશન છેલ્લા ઘણા સમયથી તેના પિતા સાથે પણ ઝઘડો કરીને અન્ય સ્થળે રહેવા ગયો હતો, પરંતુ 15 દિવસ પહેલા જ જીવાભાઈની બાજુમાં રહેવા આવ્યો હતો. તેની માતાના મોત બાદ તેના મગજમાં આ વહેમ ઘર કરી ગયો હતો. આ કિસ્સામાં પણ અંધશ્રદ્ધાના કારણે એક પરિવારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, અને આરોપીને હવે જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે.





















