ગુજરાત બોર્ડ પરીક્ષા ૨૦૨૫: વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ, ઉત્તરવહી ભરતા પહેલાં આ નિયમો જાણવા જરૂરી.

Gujarat Board Exam 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા ૨૭/૦૨/૨૦૨૫ થી શરૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે ઉત્તરવહી ભરવા સંબંધિત અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ ન કરે અને યોગ્ય રીતે ઉત્તરવહી ભરી શકે. આ સૂચનાઓ ઉત્તરવહીના કવર પેજ પર પણ આપવામાં આવશે, જેનો દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા શરૂ કરતા પહેલાં અભ્યાસ કરવો જરૂરી છે.
પરીક્ષાર્થીઓ માટે મુખ્ય સૂચનાઓ
બારકોડ સ્ટિકર: પરીક્ષાર્થીએ પોતાની ફી રસીદ/પ્રવેશપત્ર પર આપેલ બેઠક નંબર અને બારકોડ સ્ટિકર પરનો બેઠક નંબર એક જ છે તેની ખાતરી કરવી. બારકોડ સ્ટિકર ચોંટાડવાના નિયત ખાનામાં જ ચોંટાડવું અને તેની સાથે કોઈ ચેડાં કરવા નહીં.
બેઠક નંબર: પરીક્ષાર્થીએ પોતાનો બેઠક નંબર નિયત જગ્યા પર જ અંગ્રેજી અક્ષરો અને અંકોમાં સ્પષ્ટ રીતે લખવો. તેમાં કોઈ પણ પ્રકારની છેકછાક કરવી નહીં.
ઓળખ ગુપ્ત રાખવી: ઉત્તરવહી કે પુરવણીના કોઈપણ પાના પર પોતાની ઓળખ જાહેર થાય તેવા કોઈ પણ નંબર, નામ, ચિન્હ કે ધાર્મિક લખાણ કરવા નહીં.
જવાબવહી નંબરની ખરાઈ: વર્ગખંડમાં હાજર રિપોર્ટ પત્રકમાં આપેલ જવાબવહી નંબર અને બારકોડ સ્ટિકર પરના બેઠક નંબર સાથે ખાતરી કરીને જ સહી કરવી.
ખાખી સ્ટીકર: પરીક્ષા સમય પૂર્ણ થવાના ૧૦ મિનિટ પહેલાં મુખ્ય જવાબવહી અને પુરવણી પર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે.
પેનનો રંગ: જવાબવહીમાં લખાણ માટે માત્ર વાદળી/ભૂરા રંગની શાહી/બોલપેનનો જ ઉપયોગ કરવો. અન્ય કોઈ રંગની પેનનો ઉપયોગ કરવો નહીં. મથાળાં અને પેટા મથાળાં નીચે લીટી દોરવા માટે પણ અન્ય રંગનો ઉપયોગ કરવો નહીં.
ઉત્તર લખવાની રીત: ઉત્તરવહીના દરેક પાનાની બંને બાજુએ લખવું. દરેક વિભાગના પ્રશ્નોના ઉત્તર અલગ વિભાગવાર લખવા. વિભાગ બદલાય ત્યારે નવા પાનાથી શરૂ કરવું અને પ્રશ્ન ક્રમાંક હાંસિયામાં લખવા. વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાનું છોડવું નહીં. જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તેમાં પ્રશ્નો સળંગ લખવા અને નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવો. બે પ્રશ્નો વચ્ચે કોરું પાનું છોડવું નહીં. પેપર પૂરું થયા બાદ બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવી.
જવાબદારી: ઉપરોક્ત સૂચનાઓનું પાલન ન કરવા બદલ પરીક્ષાર્થી અને ખંડ નિરીક્ષક બંને જવાબદાર રહેશે.
પુરવણી બાંધવી: પુરવણી બાંધવા માટે બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ ઉપયોગ કરવો. અન્ય કોઈ દોરાનો ઉપયોગ ગેરરીતિ ગણાશે.
બોર્ડ દ્વારા આ સૂચનાઓ વિદ્યાર્થીઓના હિતમાં જાહેર કરવામાં આવી છે જેથી પરીક્ષા પ્રક્રિયા સરળ અને ભૂલ રહિત રહે. દરેક વિદ્યાર્થીને સૂચનાઓનું પાલન કરવા અને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો....
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
