દયાબેને તો 'તારક મહેતા'માં શૂટિંગ શરૂ કરી દીધું, જાણો દિશા વાકાણી પરત ફરી કે પછી કોઈ નવી એક્ટ્રેસ આવી?
૨૦૧૮થી ચાલી રહેલી શોધ પૂરી, દિશા વાકાણીની જગ્યાએ નવી અભિનેત્રી કરશે જેઠાલાલ સાથે ગરબા.

TMKOC new Dayaben actress: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. શોના નિર્માતાઓને આખરે નવી 'દયાબેન' મળી ગયા છે અને તેમનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. અગાઉ આ રોલ દિશા વાકાણી ભજવતા હતા, જે વર્ષ ૨૦૧૮માં રજા પર ગયા બાદ શોમાં પાછા ફર્યા નથી. નિર્માતા આસિત મોદીએ દિશા વાકાણીને પરત લાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા નહોતા. થોડા મહિના પહેલા આસિત મોદીએ પોતે જ ખાતરી આપી હતી કે હવે દિશા વાકાણી ક્યારેય 'તારક મહેતા'માં પાછા નહીં ફરે.
હવે 'ન્યૂઝ૧૮'ના અહેવાલ અનુસાર એક સૂત્રએ જણાવ્યું છે કે દયાબેનના રોલ માટે અનેક ઓડિશન લીધા બાદ આસિત મોદીને આખરે તેમની પસંદની અભિનેત્રી મળી ગઈ છે. દયાના રોલ માટે એક અભિનેત્રીને પસંદ કરવામાં આવી છે, જેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એટલું જ નહીં, ટીમ હાલમાં તેમની સાથે મોક શૂટ પણ કરી રહી છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે આસિત મોદીને દયાબેનના રોલ માટે આ અભિનેત્રીનું ઓડિશન ખૂબ જ પસંદ આવ્યું અને તેઓ તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. આ અભિનેત્રી છેલ્લા એક અઠવાડિયાથી ટીમ સાથે શૂટિંગ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ૨૦૨૫માં અસિત મોદીએ દિશા વાકાણીની વાપસી અંગે કહ્યું હતું કે તેઓ હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમને લાગી રહ્યું છે કે દિશા વાકાણી હવે કદાચ પાછા નહીં આવી શકે કારણ કે તેમને બે બાળકો છે. તેમણે દિશા વાકાણી સાથેના પોતાના પારિવારિક સંબંધો વિશે પણ વાત કરી હતી. આમ, લાંબા સમયની રાહ જોયા બાદ આખરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને તેની નવી 'દયાબેન' મળી ગઈ છે અને હવે દર્શકો જેઠાલાલ સાથે તેમની નવી જોડીને જોવા માટે ઉત્સુક હશે.
આ વર્ષે મીડિયા સાથે વાતચીત દરમિયાન શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે દિશા વાકાણી હવે 'દયાબેન'ના રોલમાં પરત ફરશે નહીં. તેમણે જણાવ્યું હતું કે દિશા વાકાણીએ પોતાની પ્રેગ્નન્સીને કારણે શો છોડવાનો નિર્ણય લીધો હતો અને હાલમાં તે તેના બે બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.
દિશા વાકાણી લગ્ન પછી વર્ષ ૨૦૧૮માં પ્રસૂતિ રજા પર ગઈ હતી અને ત્યારથી તે શોમાં પાછી આવી નથી. આ અંગે વાત કરતા અસિત મોદીએ કહ્યું હતું કે, "મને લાગે છે કે દિશા વાકાણી હવે પાછી નહીં આવી શકે. તેને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેના પરિવાર સાથે અમારો ઘણો ગાઢ સંબંધ છે."
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ ભારતના સૌથી લોકપ્રિય ટીવી શોમાંનો એક છે. વર્ષ ૨૦૦૮થી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને તેણે લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પોતાના અનોખા પાત્રો અને રસપ્રદ વાર્તાઓના કારણે આ શો લાંબા સમયથી દર્શકોનો પ્રિય રહ્યો છે.
શોના મુખ્ય પાત્રો જેઠાલાલ, તારક મહેતા, આત્મારામ તુકારામ ભીડે, બબીતા અય્યર, ટપ્પુની સાથે સાથે દયાબેનનું પાત્ર પણ સૌથી વધુ ચર્ચિત રહ્યું છે, જેને દિશા વાકાણીએ ભજવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે નવી દયાબેનને દર્શકો કેટલો પ્રેમ આપે છે.





















