શું ગેસની જ્વાળા પર શેકેલી રોટલી ખાવાથી કેન્સર થાય છે? જાણો નિષ્ણાતો શું કહે છે
ગેસ પર શેકેલી રોટલીથી કેન્સરનું જોખમ એ અફવા છે? બ્યુટેન ગેસ સુરક્ષિત, પરંતુ અધકચરી રોટલી પેટ માટે હાનિકારક.

Roti cooked on gas cancer: રોટલી ભારતીય ભોજનનો અભિન્ન અંગ છે અને મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બનાવવામાં આવે છે. રોટલી બનાવવાની પરંપરાગત પદ્ધતિ, જેમાં તેને તવા પર થોડી શેકીને સીધી ગેસની જ્યોત પર ફુલાવીને ખાવામાં આવે છે, તેના વિશે ઘણીવાર એક ચર્ચા ઉભી થાય છે: શું ગેસ પર શેકેલી રોટલી ખાવાથી કેન્સર થઈ શકે છે? કેટલાક અભ્યાસોને ટાંકીને એવી વાત કરવામાં આવે છે કે જ્યારે રોટલી સીધી જ્યોત પર શેકાય છે, ત્યારે બેન્ઝીન જેવા કેન્સર પેદા કરતા તત્વો રોટલી પર જમા થઈ શકે છે. તો શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે કે પછી આ માત્ર એક અફવા છે? ચાલો નિષ્ણાતો પાસેથી આ પાછળનું સત્ય જાણીએ.
શું રોટલી સીધી આગ પર શેકવાથી કેન્સર થાય છે? નિષ્ણાતોનો મત:
આ પ્રશ્નના જવાબમાં નિષ્ણાતોનું કહેવું છે કે, ઘરોમાં વપરાતા LPG સિલિન્ડરોમાં સ્વચ્છ બળતણ તરીકે બ્યુટેન ગેસનો ઉપયોગ થાય છે. જ્યારે આ ગેસ બળે છે, ત્યારે તે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. આ ઘટકોનો કેન્સર જેવા રોગો સાથે કોઈ સીધો સંબંધ નથી.
નિષ્ણાતોના મતે, જો તમારો ગેસ સ્ટવ સ્વચ્છ છે અને તેમાં કોઈ ગંદકી જમા નથી, અને તમારા રસોડામાં યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા છે, તો ગેસ સંપૂર્ણપણે સ્વચ્છ રીતે બળી જશે. આ સ્થિતિમાં, બેન્ઝીન જેવા કેન્સર પેદા કરતા તત્વોના ઉત્સર્જન અથવા રોટલી પર જમા થવાનું જોખમ નહિવત હોય છે. જોકે, નિષ્ણાતો એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપે છે. તેમના મતે, જો તમે તમારી રોટલીને લાંબા સમય સુધી શેકો છો અને તેને સંપૂર્ણપણે કાળી કે બળી ગયેલી (ઓવરકુક) કરીને ખાઓ છો, તો તે કિસ્સામાં બેન્ઝીન જેવા કેન્સર પેદા કરતા તત્વો રોટલીમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ જો રોટલી યોગ્ય રીતે અને જરૂર પૂરતી જ શેકવામાં આવે તો કેન્સર થવાનું કોઈ જોખમ નથી.
તવા પર રોટલી શેકવાની સલાહ શા માટે આપવામાં આવે છે?
જો ગેસ પર યોગ્ય રીતે શેકેલી રોટલી ખાવાથી કેન્સર થતું નથી, તો પછી શા માટે કેટલાક લોકો તવા પર જ સંપૂર્ણપણે રોટલી શેકવાની સલાહ આપે છે? આનું મુખ્ય કારણ કેન્સર સંબંધિત નહીં, પરંતુ પાચન સંબંધિત છે.
નિષ્ણાતોના મતે, જ્યારે તમે રોટલીને સીધી આગ પર ફુલાવો છો, ત્યારે ઘણીવાર રોટલી અંદરથી યોગ્ય રીતે રંધાતી નથી અને કાચી રહી જાય છે. આવી અધકચરી કે કાચી રોટલી ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને તે પચવામાં પણ મુશ્કેલ બને છે. એટલા માટે નિષ્ણાતો કપડાની મદદથી રોટલીને તવા પર જ સારી રીતે શેકીને ખાવાની ભલામણ કરે છે, જેથી તે સંપૂર્ણપણે રંધાઈ જાય અને પાચન માટે સરળ બને.




















