Ahmedabad: પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન
હાર્દિકના પિતા કોરોના પોઝિટિવ હતા અને આજે સવારે તબિયત લથડતાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાથી નિધન થયું છે. હાર્દિકના પિતા કોરોના પોઝિટિવ હતા અને આજે સવારે તબિયત લથડતાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું.
હાર્દિક પટેલે 2 મેના રોજ તેનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું હતું ડોક્ટરોની સલાહ અનુસાર ઘરે જ સારવાર ચાલી રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી જલદી ઠીક થઈ જઈશ.
ગુજરાતમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) ભલે છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા હોય પરંતુ તેમ છતાં અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ચિંતાજનક છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે. શનિવારે ૩,૪૪૨ કેસ સાથે અમદાવાદમાં કુલ કેસ હવે ૨,૦૦,૯૨૦ છે. આમ, અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસતી સરેરાશ ૨૭,૮૭૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.
અમદાવાદમાં કયારે નોંધાયો હતો પ્રથમ કેસ
અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો. આ પછી પ્રથમ ૧ લાખ કેસ આ વર્ષે ૧૮ એપ્રિલના પૂરા થયા હતા. આમ, છેલ્લા માત્ર ૨૦ દિવસમાં નવા ૧ લાખ ઉમેરાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી ૮ મે સુધી અમદાવાદમાં કોરોનાના કુલ ૧,૪૩,૧૧૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૮૩૮ના મૃત્યુ થયા છે. આ સમયગાળામાં અમદાવાદમાંથી ૮૩,૩૯૧ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. અમદાવાદમાં ૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો અને દરરોજના ૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા.
હાલ અમદાવાદમાં કેટલા છે એક્ટિવ કેસ
જોકે, ૫ મેથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૩૦% માત્ર અમદાવાદમાંથી છે. હાલ અમદાવાદમાં ૬૧,૯૫૬ એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસના ૪૩.૨૦% માત્ર અમદાવાદ ધરાવી રહ્યું છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો હતો. શનિવારે રાજ્યમાં ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા હતા અને ૧૧૯ના મૃત્યુ થયા હતા. આ સાથે જ ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે. ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.