Ahmedabad: ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબા મહોત્સવને લઈ શું થયો વિવાદ ? સંચાલકોએ શું કરી સ્પષ્ટતા?
Ahmedabad: અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબાને લઈને વિવાદ ઉભો થયો છે
Ahmedabad: અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબાને લઈને વિવાદ ઉભો થયો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે અત્યાર સુધી નવરાત્રિના તહેવારમાં ગુજરાત વિદ્યાપીઠમાં ભાઈઓ અને બહેનોના કોમન ગરબા થતા હતા, પરંતુ આ વર્ષે તેમ કરવામાં આવ્યું નથી. એટલે કે ભાઈઓ અને બહેનોના ગરબા અલગ અલગથી થઈ રહ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્ધારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે ગૃહમાતાએ કોમન ગરબાની મંજૂરી આપી નથી. જો કે ભાઈઓ અને બહેનોના ગરબા સાથે જ હોવાની વિદ્યાપીઠના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી હતી. દર વર્ષે કુમાર શાળા ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે ગરબા રમતા હોય છે. પરંતુ આ વર્ષે ભાઈઓ અને બહેનોના ગરબા અલગ યોજાતા નારાજગી ફેલાઈ છે. કેટલાક વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ કર્યો હતો. બીજી તરફ વિદ્યાપીઠના સંચાલકોએ બચાવ કરતા કહ્યું હતું કે ગરબાનું આયોજન વિદ્યાપીઠનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ જ કરે છે.
આ વર્ષે વિદ્યાર્થીનીઓની હોસ્ટેલની ગૃહ માતાએ કોમન ગરબામાં જવા માટે પરવાનગી આપી નથી. જેને લઇને વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થીનીઓ તરફથી તો કોઈ બોલવા તૈયાર થયું નહોતું પરંતુ વિદ્યાર્થીઓએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓએ ગૃહ માતાને આ મામલે રજૂઆત કરી છે પરંતુ તેઓ વિદ્યાર્થીનીઓની જવાબદારી લેવા તૈયાર નથી. બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠના સત્તાધિશોનું કહેવું છે કે ગૂજરાત વિદ્યાપીઠ સીધી રીતે ગરબા નું આયોજન નથી કરતું પરિસરમાં રહેતો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મંગળવારે કુલનાયક અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગરબામાં આરતી પણ કરી હતી અને દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને એક જ સ્થળ પર ગરબા રમવા દેવામાં આવી રહ્યા છે
નોંધનીય છે કે ગુજરાતભરમાં હાલ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. જો કે 12 વાગ્યા બાદ પણ ચાલતા લાઉડ સ્પીકર્સથી પરેશાન એક નાગરિકે આ મુદે હાઇકોર્ટમા રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે આ મુદ્દાને ધ્યાનમાં લઇને પોલીસ વિભાગને નિર્દેશ આપ્યા છે કે, જો કોઇ નવરાત્રિ દરમિયાન 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર્સ બંધ કરાવવા માટે રજૂઆત કરે ફરિયાદ કરે તો પોલીસે તેની સામે કાર્યવાહી કરાવતા 12 વાગ્યા લાઉડ સ્પીકર બંધ કરવું પડશે.