Ghol Fish: ઘોલ માછલીને રાજ્યની 'સ્ટેટ ફિશ' જાહેર કરવામાં આવી, દેશના ફિશ એક્સપોર્ટમાં ગુજરાતનું 17% યોગદાન
ગુજરાતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં માછીમારોને આજ સુધી 14,180 કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાયું છે અને રાજ્યના 1,30,000 માછીમારોને વીમા સંરક્ષણ પૂરું પડાયું છે.
Global Fisheries Conference: ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વર્લ્ડ ફિશરીઝ ડે' નિમિત્તે બે દિવસીય 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023' નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્ઝીબિશન પેવિલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ ગ્લોબલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આજે ગુજરાતે ઘોલ માછલીને પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે. દેશભરમાં વિવિધ રાજ્યોએ નજીકના સમયમાં પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે, જે સાબિત કરે છે કે આ સેક્ટરમાં દેશભરમાં રુચિ વધી છે. પાછલાં 9 વર્ષમાં દેશના ઈનલેન્ડ ફિશરીઝ સેક્ટરમાં ત્રણ ગણો વધારો થયો છે. માછીમારોને બોટ માટે પેટ્રોલ-ડીઝલ સબસીડી સહિત ગેસ સિલિન્ડર, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત ટ્રાન્સપોન્ડર્સ વગેરે પૂરા પાડીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસરત છે. ઈસરો દ્વારા નિર્મિત ટ્રાન્સપોન્ડર્સ સાગરખેડુઓને સમુદ્રમાં લોકેશન શોધવામાં તથા ફિશકેચ એરિયાઓને (વધુ માછલી ધરાવતા વિસ્તારો) ઓળખવામાં મહત્વના સાબિત થશે, જે તેમનો મહત્વપૂર્ણ સમય બચાવશે. આ ઉપરાંત, તેઓ આ ટ્રાન્સપોન્ડર્સની મદદથી પોતાના પરિવારજનો, કોસ્ટ ગાર્ડ અને વિવિધ ઓથોરિટીઝના પણ સંપર્કમાં રહી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આયોજિત મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ તેમજ અત્યાધુનિક સાધનો-મશીનરીઝ-સંશોધનો દર્શાવતા પ્રદર્શનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરી વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. pic.twitter.com/aZD7kuPXqD
— CMO Gujarat (@CMOGuj) November 21, 2023
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા ₹5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે, એમ તેમણે ઉમેર્યું હતું. દેશના અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગ વિભાગના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. છેલ્લાં 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં 'બ્લૂ ઇકોનોમી'નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં 'પોલીસી ડ્રીવન સ્ટેટ' રહ્યું છે. રાજ્યમાં બ્લૂ ઈકોનોમી, ફિશરમેન અને ફિશ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પોલિસી અમલી છે. ફિશ ફાર્મર્સને બેકીશ વોટર લેન્ડ લીઝ પર આપવા માટે 'ગુજરાત એકવાકલ્ચર લેન્ડ લીઝ પોલિસી' અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, ઈનલેન્ડ રિઝરવોયર લીઝિંગ પોલિસી પણ બનાવવામાં આવી છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને પોલિસી થકી 2021-22 માં 80 લાખ મેટ્રિક ટન કરતા વધુ ફિશ પ્રોડક્શન થયું તથા 2 લાખ મેટ્રિક ટન ફિશ એકસપોર્ટ કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ -અંર્તદેશીય મત્સ્ય જળાશય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, જે રાજ્યના માછીમારોને ઉપયોગી થશે અને પારદર્શકતા વધશે. વર્લ્ડ ફિશરીઝ ડે નિમિત્તે આજે ઘોલ માછલીને ગુજરાત રાજ્યની 'સ્ટેટ ફિશ' જાહેર કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું. દેશમાં પ્રથમ વખત માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા. જેના દ્વારા તેમને વેપાર વૃદ્ધિ માટે ટોકન દરે બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 'સાગરમાલા' પરિયોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રોડ-રસ્તા, વીજળી, પોર્ટ કનેક્ટિવિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કાર્યો કરવામાં આવે છે.
મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં ઇનલેન્ડ ફિશ પ્રોડક્શન અને એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ₹75000 કરોડનું અનુદાન પૂરું પાડવામાં આવ્યું છે. જેના લીધે દેશમાં ફિશ પ્રોડક્શન બમણું થયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નો સાયન્સ સિટી, અમદાવાદ ખાતે શુભારંભ. https://t.co/DiooLUEIxD
— CMO Gujarat (@CMOGuj) November 21, 2023