શોધખોળ કરો
Ahmedabad: ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડતા જ વિરોધના સૂર ઉઠ્યા, નારાજ કાર્યકરોની રાજીનામાની ચીમક
સ્થાનિકોના વિરોધ બાદ પ્રભારી આઈ.કે.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તમામ નારાજ કાર્યકર્તાઓને મનાવી લેવાશે.

ફાઇલ ફોટો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. યાદી બહાર આવતા જ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. ચાંદખેડા વૉર્ડમાં પ્રતિભા સકસેનાને ટિકીટ આપવામાં આવતા જ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ તરફ સરદારનગરમાં મિતલ મકવાણાને ટિકીટ અપાતા વિરોધ શરૂ થયો છે. બંને વૉર્ડના કાર્યકરોએ પ્રથમ સ્થાનિક કાર્યાલય ખાતે રોષ વ્યકત કર્યો હતો. અહીં તેઓ ખાનપુર સ્થિત અમદાવાદ શહેર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને પ્રભારી આઈ.કે.જાડેજા સામે રજૂઆત કરતા કહ્યું કે જેને કોઈ વૉર્ડમાં ઓળખતું નથી તેને પક્ષે ટિકીટ આપી છે, જ્યારે 3 વર્ષથી જનતાના કામો કરતા દાવેદારોને અન્યાય કર્યો છે. આટલું જ નહીં ચાંદખેડામાં જીગીશા પ્રજાપતિના સમર્થકોએ તો ભાજપ પ્રમુખ અને પ્રભારીને બપોરે 12 વાગ્યા સુધી અલ્ટીમેટમ આપ્યું કે જો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો રાજીનામા આપી દેશે. જોકે સ્થાનિકોના વિરોધ બાદ પ્રભારી આઈ.કે.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તમામ નારાજ કાર્યકર્તાઓને મનાવી લેવાશે. આ તરફ ગોતા વિસ્તારમાં બહારના ઉમેદવારને ટિકીટ અપાતા સ્થાનિકોએ દસકોસી સમાજની વાડી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. તો મોડીરાત્રીના ઘાટલોડિયા વિસ્તારમાં લોકોએ વિરોધ કર્યો હતો. ચાણક્યપુરી વિસ્તારમાં દિનેશ દેસાઈને ટિકીટ ન મળતા સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વધુ વાંચો





















