ગુજરાતમાં આ કારણથી ફેલાયો ઓમિક્રોન, એક જ દિવસમાં નોંધાયા હતા નવ કેસ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા નવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં ઓમિક્રોન ફેલાવવા માટે રાજ્યમાં ધમધમતું મેડિકલ ટુરિઝમ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદમાં સારવાર હેઠળ રહેલું દંપતિ અને ઓમિક્રોનના છ શંકાસ્પદ કેસ તાન્ઝાનિયાથી મેડિકલ ટુરિઝમના ભાગરૂપે સારવાર કરાવવા ગુજરાત આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી પહેલા બે કેસ તાન્ઝાનિયાથી આવેલા દંપતિ સ્વરૂપે નોંધાયા હતા. ત્યારબાદ છેલ્લા બે દિવસમાં આફ્રિકન દેશોમાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા 10 જેટલા મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ તમામ કેસોનો આરોગ્ય વિભાગે તપાસ કરતા જાણવા મળ્યું કે મેડિકલ ટુરિઝમના કારણે આ દર્દીઓ સારવાર માટે ગુજરાત આવ્યા હતા. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલું દંપતિ તાન્ઝાનિયાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યું હતું. આવી જ રીતે ઓમિક્રોનના જે 10 શંકાસ્પદ દર્દીઓ જણાયા છે તે પૈકી 6 દર્દીઓ માત્ર તાન્ઝાનિયાના જ છે. જે મેડિકલ ટુરિઝમના ભાગરૂપે રાજ્યમાં સારવાર કરાવવા આવ્યા હતા.
હાલમાં શહેરમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટિંગ માટે અલગ-અલગ સ્થળોએ 32 ડોમ કાર્યરત છે. જો કોરોનાના કેસોની સંખ્યા વધશે તો ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં શહેરમાં 80 અર્બન હેલ્થ સેન્ટરમાં એન્ટીજન તેમજ RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે.