ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
અમદાવાદ અને સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.

Epidemic in Gujarat: ચોમાસાની ઋતુ ગુજરાતના મહાનગરો માટે આશીર્વાદરૂપ હોવા છતાં, અમદાવાદ અને સુરતમાં તેણે રોગચાળાનો ગંભીર પ્રકોપ વકર્યો છે. બંને શહેરોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નાગરિકોમાં ભયનો માહોલ છે.
અમદાવાદમાં રોગચાળાની ચિંતાજનક સ્થિતિ
અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ રોગચાળાના આંકડા ભયાવહ બન્યા છે. માત્ર આ મહિનામાં જ ડેન્ગ્યુ ના 10 કેસ નોંધાયા છે, જે મચ્છરજન્ય રોગોના વધારાનો સંકેત આપે છે. આ ઉપરાંત, રામોલ, વટવા, હાથીજણ અને સરસપુર જેવા વિસ્તારોમાં કોલેરા ના 6 કેસ સામે આવ્યા છે, જે પાણીજન્ય રોગોની ગંભીરતા દર્શાવે છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઝાડા-ઉલટીના 184 કેસ, ટાઈફોઈડના 92 કેસ અને કમળાના 69 કેસ પણ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 4 કેસ પણ સામે આવ્યા છે. ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કોલેરા જેવા રોગોના પ્રસાર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે. AMC નું આરોગ્ય વિભાગ હવે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને ભોંયરાઓમાં મચ્છરના બ્રિડિંગ સ્પોટ્સની તપાસ અને નિયંત્રણ અભિયાન શરૂ કરશે.
સુરતમાં સ્થિતિ વધુ ગંભીર, 12 દિવસમાં 10 મોત
સુરત શહેર ભારે વરસાદ અને ખાડીપૂર જેવી કુદરતી આફતોનો સામનો કર્યા બાદ હવે રોગચાળાના ગંભીર ભરડામાં છે. છેલ્લા 12 દિવસમાં જ તાવ અને ઝાડા-ઉલટીને કારણે 10 લોકોના મોત થયા છે, જે અત્યંત ચિંતાજનક આંકડો છે. શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલો જેવી કે સિવિલ અને સ્મીમેર દર્દીઓથી ઉભરાઈ રહી છે, જ્યાં તાવ, ઝાડા-ઉલટી, શરદી-ખાંસી, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરતમાં રોગચાળાના કેસોમાં 10 થી 12 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. બદલાતા હવામાન અને પાણી ભરાવાની સ્થિતિને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે.
બંને શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં ફોગિંગ, દવા છંટકાવ અને જનજાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. જોકે, નાગરિકોને પણ પોતાના ઘરો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો અટકાવવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તત્કાળ તબીબી સલાહ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સંકટનો સામનો કરવા માટે સરકારી પ્રયાસો સાથે જ લોકોનો સહયોગ પણ અત્યંત જરૂરી છે.





















