રેમડેસિવિર મુદ્દે કોર્ટે રૂપાણી સરકારને ખખડાવી ? જાણો શું કહ્યું
ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું, માત્ર સરકાર જ નહીં ઉત્પાદકોને પણ લાગ્યું કે કોરોનાની લહેર ઓછી થઈ છે માટે રેમડેસિવિરનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું, રેમડેસિવિર ક્યારે કોને, કઈ રીતે અને કોના સુપરવિઝનમાં આપવી તે બાબતે આપે પોતાના સોગંદનામામાં કંઈ કહ્યું નથી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ (Gujarat Corona Cases) ભયંકર રીતે વધી ગયું છે. દેશની જેમ રાજ્યમાં પણ કોરોનાના કેસ બેફામ ગતિએ વધી રહ્યા છે. કોરોના (Coronavirus)ની કથળેલી સ્થિતિ મુદ્દે કોર્ટેમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ રહી છે.
જેમાં હાઈકોર્ટે કહ્યું કે, 15 માર્ચથી કેસો વધવાના શરૂ થયા જે રોકાતા નથી. રાજ્ય સરકાર પગલાં નથી લઈ રહી એવું અમે નથી કહેતા, પણ જે રીતે પગલાં લેવા જોઈએ, જે ધક્કો આપીને કામ થવું જોઈએ એ થયું નથી.
રેમડેસિવિર મુદ્દે શું કહ્યું
ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું, માત્ર સરકાર જ નહીં ઉત્પાદકોને પણ લાગ્યું કે કોરોનાની લહેર ઓછી થઈ છે માટે રેમડેસિવિરનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું, રેમડેસિવિર ક્યારે કોને, કઈ રીતે અને કોના સુપરવિઝનમાં આપવી તે બાબતે આપે પોતાના સોગંદનામામાં કંઈ કહ્યું નથી. રેમડેસિવિર લઈ લેશે તો અમૃત લીધું હોય એમ લોકો બચી જશે તે પ્રકારની વાત ચાલી હોય તો ઇન્જેક્શન બાબતે તમારે ઓપન લેટર જાહેર કરવો જોઈએ. રેમડેસિવિરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ.
એડવોકેટ જનરલે કહ્યું, 1 થી 12 એપ્રિલ વચ્ચે રાજ્યને ચાર લાખ રેમડેસિવિર મળ્યા હતા. જેમાં સરકાર અને ખાનગી ક્ષેત્રમાં વહેંચણી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, જે દર્દીઓને જરૂરિયાત છે તેમના માટે પૂરતા ઇન્જેક્શન ઉપલબ્ધ છે એવું નિવેદન આપો છો તો સોગંદનામા પર શા માટે નથી કહેતા? એડવોકેટ જનરલે કહ્યું. જો ડોક્ટરો આડેધડ પ્રિસ્ક્રિપ્શન લખશે તો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં હોય.
રેપીડ ટેસ્ટ માટે બધી સુવિધા, પણ RT-PCR ટેસ્ટ માટે શું કરો છો ?
હાઈકોર્ટમાં કોરોના ટેસ્ટ મુદ્દે દલીલ થઈ હતી. જેમાં સરકારે કહ્યું કે, ગઈકાલથી ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ શરૂ કર્યા છે. 2000 જેટલા ટેસ્ટ કર્યા, જેના પરિણામ 10 થી 24 કલાકમાં આપ્યા છે. કોર્ટે પૂછ્યું ટેસ્ટિંગનો સમય ઘટાડવા શું કરી રહ્યા છો ? જેના જવાબમાં એડવોક્ટ જનરલે કહ્યું- હાલ વધારે સમય લાગી રહ્યો છે. 24 કલાકમાં રિપોર્ટ મળે તેના પ્રયાસ કરી રહ્યા છીએ અને બે થી ત્રણ દિવસમાં આ વ્યવસ્થા ઉભી કરાશે. કોર્ટે પૂછ્યું કે, શું દરેક જિલ્લાઓમાં આર ટી સી પી સી આર ટેસ્ટ થઈ શકે તે માટે લેબોરેટરીઓ છે? એડવોકેટ જનરલે કહ્યું... ડાંગ સિવાય બાકી બધા જિલ્લામાં લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. કોર્ટે કહ્યું રેપીડ ટેસ્ટ માટે તો તમારી જોડે બધી વ્યવસ્થા છે... પણ આર ટી પી સી આર ટેસ્ટ માટે શું કરી રહ્યા છો?
બેડ બાબતે શું કહ્યું ?
એડવોકે જનરલે કહ્યું, 71021 બેડ ઉપલબ્ધ છે. એડવોકેટ જનરલની રજૂઆત પર ચીફ જસ્ટિસે કહ્યું આ આંકડા પર અમને શંકા છે. કોર્ટે કહ્યું કે જો માત્ર 53% બેડજ ઓક્યુપાય થયેલા હોય તો પછી લોકોને બેડ નથી મળતા આવી ફરિયાદ શાના માટે છે? અમને લાગે છે કે તમારી આ રજૂઆત સાચી લાગતી નથી. કોર્ટે એડવોકેટ જનરલને કહ્યું, માત્ર અમદાવાદ પણ નહીં આખા રાજ્યના આંકડા પર ધ્યાન આપવાની જરૂર છે. એડવોકેટ જનરલે કહ્યું, વડોદરા રાજકોટ અને સુરત અને મોરબીમાં પણ વધુ બેડ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
અમે આપેલા સૂચન પર નક્કર પગલાં નથી લીધા
એડવોકેટ જનરલે કહ્યું, કોરાની વકરતી જતી સ્થિતિનો રાજ્ય સરકારને ખ્યાલ છે. આ પહેલાની જાહેર હિતની અરજીમાં અમે માસ્ક બાબતે, હોસ્પિટલોમાં બેડ વધારવા બાબતે વિજિલન્સ વધારવા માટે સૂચનો આપ્યા હતા. આમ છતાં કોરોનાની સુનામી દેખાય છે. અમે આપેલા સૂચનો ઉપર રાજ્ય સરકારે ઠોસ પગલાં લીધા હોય તેવું લાગતું નથી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 14 એપ્રિલ | 7410 | 73 |
| 13 એપ્રિલ | 6690 | 67 |
| 12 એપ્રિલ | 6021 | 55 |
| 11 એપ્રિલ | 5469 | 54 |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 59,972 | 476 |





















