Gujarat Monsoon: અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ, જાણો રાજ્યમાં ક્યાં ક્યાં છે વરસાદી માહોલ
Gujarat Monsoon Update: આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે
Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મહેસાણામાં વરસાદ
મહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે
સંતરામપુરમાં પણ વરસાદ
છેલ્લા ચોવીસ કલાકમાં સંતરામપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કડાણા તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે, લુણાવાડામાં 17 mm, ખાનપુરમાં 15 mm, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે. સંતરામપુર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 124.27 ટકા વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કાકરેજ,ડીસા,ધાનેરા,દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કાકરેજના શિહોરી,થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદની થઈ શરૂઆત છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ગઈકાલ કરતાં ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 હજાર 586 નવા કેસ નોંધાયા છે અને 42 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 945નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 96 હજાર 506 થઈ ગઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 33 હજાર 624 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 416 થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 210 કરોડ 31 લાખ 65 હજાર 703 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 29 લાખ 25 હજાર 342 ડોઝ અપાયા હતા.