Ahmedabad Rain: ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતી નદીનો ચોંકાવનારો વીડિયો વાયરલ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે પવન સાથે કરા પડતા હોવાના અનેક દ્રશ્યા સામે આવ્યા છે.
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે પવન સાથે કરા પડતા હોવાના અનેક દ્રશ્યા સામે આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રંટનો વિડીયો પણ સામે આવ્યો છે. રિવરફ્રંટમાં તોફાની દરિયા જેવા મોજા ઉછળતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે આધિકારિક પુષ્ટિ થઈ નથી.
આ ઉપરાંત ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા 2 ઈંચ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપર વાસના બેરેજના 4 દરવાજા 07:00 વાગ્યાથી ખોલી 6000 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવેલ છે. જ્યારે નારણપુરા ભાવિન ચાર રસ્તામાં વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા 3 થી 4 ગાડીઓને નુકશાન થયું છે. ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો હેરાન પરેશાન થયા છે.
અમદાવાદ શહેરમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરુ થયો છે. વિજળીના કડાકા સાથે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે આઈપીએલ 2023નો મહામુકાબલો છે ત્યારે વરસાદ પડતા ક્રિકેટ રસીકો ચિંતામાં મુકાયા છે. ચાંદખેડા, વાડજ, રાણીપ અખબાર નગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઈવે, થલતેજ, બોપલ, પ્રહલાદ નગર ગાર્ડન, જીવરાજ પાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ઝુંડાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે. કેરળમાં 5થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે. અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે. એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે 15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે. 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે. મીની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.