અમદાવાદમાં લગ્ન અંગે પોલીસ કમિશ્નરે આપ્યો મહત્વનો આદેશ, પોલીસ હાજર રહીને શું કરશે ?
એપીએમસી માર્કેટ ખાતે માર્કેટના હોદ્દેદારો સાથે બેઠક કરીને કોરોનાની ગાઇડ લાઇનનુ પુરેપુરુ પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામા કહેવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ સતત કાબુ બહાર જઈ રહી છે. અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના નવા રેકોર્ડ બ્રેક 951 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે આઠ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધીને 74 હજાર 274 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને બે હજાર 948 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં અગાઉ 16 મેના રોજ 973 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઈને શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, લગ્નમાં માત્ર 100 મહેમાનોને જ આમંત્રિત કરી શકાશે અને લગ્ન પ્રસંગમાં પોલીસ વિઝિટ પણ કરશે અને જો કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોય તો કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ જાહારનામામાં કહેવામાં આવ્યું છે કે, કર્ફ્યુ દરમિયાન રાત્રી દરમિયાન લગ્ન સમારંભોનું આયોજન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. રાજકીય, સામાજિક અને અન્ય જાહેરસભામાં 50થી વધારે વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે. ૭ એપ્રિલ ૨૦૨૧થી ૩૦ એપ્રલિ ૨૦૨૧ સુધી રાત્રિ કરફ્યુ રાતના ૮ થી સવારના ૬ સુધીનો રહેશે.
આ ઉપરાંત કંન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યુ છે કે, જાહેર સ્થળો પર એકલ-દોકલ પોલીસ કર્મચારીએ નહીં પરંતુ વધારે સ્ટાફ સાથે હાજર રહીને નિયમોનુ પાલન કરાવવુ.
એપીએમસી માર્કેટ ખાતે માર્કેટના હોદ્દેદારો સાથે બેઠક કરીને કોરોનાની ગાઇડ લાઇનનુ પુરેપુરુ પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામા કહેવામાં આવ્યુ છે.
ગઈકાલે અમદાવાદ શહેરમાં નવા 470 અને જિલ્લામાં 20 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાના વધતા કેસની સાથે અમદાવાદ મહાનગર પાલિકાએ માઈક્રો કંટેઈમેંટ વિસ્તારમાં પણ ઉમેરો કર્યો છે. થલતેજમાં સુવાસ એપાર્ટમેંટ નામની આખી સોસાયટીના 202 મકાનમાં રહેતા 750 લોકો અને સિલ્વર બ્લોક, મેટપલ કાઉંટીમાં 48 મકાનમાં 200 લોકો તેમજ ગોતા વિસ્તારમાં પાંચ સ્થળે 120 મકાનમાં 775 લોકોને માઈક્રો કંટેઈમેંટમાં મુકાયા છે. ગુરૂવારે વધુ 35 વિસ્તારને માઈક્રો કંટેઈમેંટ તરીકે જાહેર કર્યા છે.