JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
JEE Advanced 2026: સંસ્થાએ એક સત્તાવાર નોટિસ મારફતે આ માહિતી હતી. નવા નિમય કુલ પાંચ પોઈન્ટ્સમાં જાહેર કરવામાં આવ્યા છે

JEE Advanced 2026: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) રૂડકીએ JEE એડવાન્સ્ડ 2026 માટે નવા એલિજિબિલિટી નિયમ જાહેર કર્યા છે. સંસ્થાએ એક સત્તાવાર નોટિસ મારફતે આ માહિતી હતી. નવા નિમય કુલ પાંચ પોઈન્ટ્સમાં જાહેર કરવામાં આવ્યા છે અને દરેક ઉમેદવારે તેનું પાલન કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
નોટિસ અનુસાર, JEE Advanced 2026માં સામેલ થતા અગાઉ ઉમેદવારે JEE મેઇન 2026 (B.E./B.Tech. પેપર) માં ટોચના 250,000 સફળ ઉમેદવારોમાં સ્થાન મેળવવું આવશ્યક છે. અનામત શ્રેણીઓ માટે અગાઉની જેમ બેઠકોની ટકાવારી સમાન રહેશે અને તમામ કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવારોને 5 ટકા અનામત મળશે.
વય મર્યાદા માપદંડો પણ જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય શ્રેણીના ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર, 2001 અથવા તે પછી થયો હોવો જોઈએ જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે. તેથી અનામત શ્રેણીઓ માટે જન્મ તારીખ 1 ઓક્ટોબર, 1996 ના રોજ અથવા તે પછી હોવી જોઈએ.
પરીક્ષાના પ્રયાસો અંગેના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ઉમેદવારો ફક્ત બે વાર JEE એડવાન્સ્ડ પરીક્ષા આપી શકશે અને તે પણ સતત બે વર્ષમાં આપી શકશે. આનો અર્થ એ છે કે તક મર્યાદિત છે અને તૈયારી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી આવશ્યક છે.
આ નિયમમાં પણ ફેરફાર
12મા ધોરણની પરીક્ષા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.JEE Advanced 2026 માટે તે ઉમેદવારો યોગ્ય રહેશે જેમણે પ્રથમવાર 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025 અથવા 2026માં આપી હોય. જે ઉમેદવારો 2024 અથવા તે અગાઉ 12મા ધોરણની પરીક્ષા આપી છે તે આ પરીક્ષા માટે પાત્ર રહેશે નહીં. જો કે, જો કોઈ બોર્ડ 2023-24નું પરિણામ 18 જૂન, 2024ના રોજ અથવા તે પછી જાહેર કર્યું છે તો 2024માં પરીક્ષા આપનારા ઉમેદવારોને પાત્ર ગણવામાં આવશે. જો બોર્ડ દ્વારા પરિણામ અટકાવી દેવામાં આવે તો ઉમેદવારને પાત્ર ગણવામાં આવશે નહીં.
IIT માં પહેલાથી જ પ્રવેશ મેળવનારા ઉમેદવારો માટે સ્પષ્ટ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને અગાઉ IIT માં સીટ ફાળવવામાં આવી હોય, પ્રવેશ લીધો હોય, રિપોર્ટ કરવામાં આવ્યો હોય અથવા પછીથી તેમની સીટ રદ કરવામાં આવી હોય તો તેઓ JEE એડવાન્સ્ડ 2026 માટે પાત્ર રહેશે નહીં. જો કે, 2025માં પ્રિપેરેટરી કોર્સમાં પ્રવેશ મેળવનારા ઉમેદવારો અને JoSAA 2025 માં IIT સીટ મેળવનારા પરંતુ રિપોર્ટ ન કરનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
તારીખો પણ જાહેર
NTA એ JEE Main 2026 માટેની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે. મેન્સનું સત્ર 1 21 થી 30 જાન્યુઆરી, 2026ની વચ્ચે યોજાશે, જ્યારે સેશન- 2ની પરીક્ષા 1 એપ્રિલથી 10 એપ્રિલ, 2026 ની વચ્ચે યોજાશે. IIT રૂડકી 17 મે, 2026 ના રોજ JEE Advanced 2026 કમ્પ્યુટર-આધારિત પરીક્ષાનું આયોજન કરશે.





















