Gandhinagar: જાણો ગુજરાતમાં ગયા વર્ષે કેટલા કરોડનો દારુ પકડવામાં આવ્યો, આંકડો જાણીને ચોંકી જશો
ગાંધીનગર: ગુજરાતમાં લાગું દારુબંધીને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે. કારણ કે, ગુજરાતમાં દારુબંધી હોવા છતા લઠ્ઠાકાંડથી લઈને વિદેશી દારુના મોટા જથ્થા ઝડપાતા રહે છે.
ગાંધીનગર: ગુજરાતમાં લાગું દારુબંધીને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે. કારણ કે, ગુજરાતમાં દારુબંધી હોવા છતા લઠ્ઠાકાંડથી લઈને વિદેશી દારુના મોટા જથ્થા ઝડપાતા રહે છે. હવે આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં દારૂના દૂષણ અંગે સરકાર ચિંતિત છે અને તેને દૂર કરવા સરકાર કટિબદ્ધ છે. આ માટે જવાબદારો સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. દારૂબંધી અંતર્ગત કાર્યવાહીમાં વર્ષ ૨૦૨૨ માં દારૂબંધી ભંગના ૭૪૦ જેટલા કેસ કરી રૂપિયા ૨૦.૬૬ કરોડનો દારૂ પકડવામાં આવ્યો છે અને સંબંધીતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
ગૃહમંત્રીએ દારૂના દુષણને દૂર કરવા થયેલ સઘન કાર્યવાહીની જાણકારી આપતા જણાવ્યું કે વર્ષ ૨૦૧૮માં ૧૪૯ કે ૨૦૧૯ માં ૪૦૦ કેસ ૨૦૨૦ માં ૨૨૪ કેસ ૨૦૨૧ માં ૨૭૫ અને ૨૦૨૨ માં ૭૪૦ કેસ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં દારૂબંધી ભંગના પ્રશ્નોના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ૩૧-૨-૨૦૨૩ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં ૧૨૭૩૯ દારૂબંધી ભંગના ગુના નોંધવામાં આવ્યા છે. આ દારૂબંધી ભંગ માટે ૧૩૧૮૮ ઈસમો સામે કાર્યવાહી કરી પકડવામાં આવ્યા છે. ૮૫ જેટલા ઇસમોને પકડવાના બાકી છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લામાં ૩૧/૧૨/૨૦૨૨ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પ્રોહિબિશન એકટ અંતર્ગત વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે બે વર્ષમાં ૩૯૬૪ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેમાં ૨૯૫ સામે હદપારી તેમજ ૬૩ સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી અને કાર્યવાહી સંદર્ભે ગૃહ મંત્રીએ જણાવ્યું કે સ્ટેટ મોનિટરિંગ સેલ એ રાજ્ય સ્તરની એક એજન્સી છે. જે દારૂ જુગાર અને અન્ય સંવેદનશીલ બાબતો પર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૫૧૭ ગુનાઓ શોધી દેશી વિદેશી ૧૩.૫૦ લાખનો દારૂ તથા અન્ય મુદ્દા માલ મળી રૂપિયા ૨૫.૯૮ લાખના મુદ્દામાલ સાથે ૧૨૬૬ આરોપીને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ આરોપીઓ પૈકી કુલ ૨૯૯ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે.
તેમણે જણાવ્યું કે વર્ષ માં ગુજરાત રાજ્યમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયરો તથા મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ નામચીન બુટલેગરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એટલું જ નહીં રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી હેરાફેરી કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૧૪૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જે પૈકી ૩૨ ગુનાઓમાં નાસતા ફરતા હોય તેવા અને દેશ છોડી ગયા હોય તેવા આરોપીઓ સામે પણ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી યુએઈ ખાતે અટકાયત કરવામાં આવી છે. અને તેની પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલુ છે.