(Source: ECI/ABP News/ABP Majha)
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામનું સફળતાપૂર્વક સમાપન
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ (MGIS) દ્વારા યોજવામાં આવેલા બે અઠવાડિયાનો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામનું શુક્રવારના રોજ સમાપન થયું હતું.
અમદાવાદ: અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ (MGIS) દ્વારા યોજવામાં આવેલા બે અઠવાડિયાનો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામનું શુક્રવારના રોજ સમાપન થયું હતું. એમજીઆઇએસના વિદ્યાર્થીઓની સાથે ફ્રાંસની સૌથી પ્રતિષ્ઠિત સ્કુલોમાંથી એક એવી લાઇસી ઇન્ટરનેશનલ સ્કુલ સેંટ-જર્મેન-એન-લાઈના વિદ્યાર્થીઓએ આ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. શુક્રવારના રોજ એમજીઆઇએસ ખાતે યોજાયેલા સમાપન સમારંભ દરમિયાન અમદાવાદના મેયર કિરીટ પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને તેમની સાથે સામી બોઉકાઝી, કોન્સ્યુલ-એડજોઇન્ટ, કોન્સ્યુલેટ જનરલ ઑફ ફ્રાંસ, મુંબઈ; મ્યુનિસિપલ સ્કુલ બૉર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા અને ડેપ્યુટી એઓ પરિમલ પટેલ પણ હાજર રહ્યાં હતા.
આ એક્સચેન્જ પ્રોગ્રામ એક ઉત્પ્રેરક છે, જે ભારત અને ફ્રાંસ વચ્ચે શિક્ષણ અને સાંસ્કૃતિક સંપર્ક મારફતે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવે છે. આ પ્રોગ્રામના ભાગરૂપે વિદ્યાર્થીઓ અમદાવાદમાં રહે છે અને તેમને યજમાન પરિવારોની સાથે રહેવાની તક પૂરી પાડવામાં આવતી હોવાથી તેઓ એક પ્રવાસી તરીકે નહીં પરંતુ અહીંના સ્થાનિક તરીકે અહીંના જીવન, સંસ્કૃતિ અને રહેણીકરણીનો અનુભવ મેળવે છે.
આ પ્રોગ્રામની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે, ફ્રેન્ચ વિદ્યાર્થીઓએ વર્ગખંડના શિક્ષણ પૂરતું મર્યાદિત રહેવું પડતું નથી પરંતુ તેમને અનાથઆશ્રમો અને સાંજના સમયે રસ્તાની બાજુ પર ચાલતી શાળાઓમાં લઈ જવામાં આવે છે, જેથી તેઓ અહીંના સમાજના અલગ-અલગ સ્તરના લોકો સાથે સંકળાઈ શકે. આ પ્રોગ્રામ ઉભરી રહેલા ભારત અને તેની વિકાસગાથાની વધુ સારી સમજણને પ્રોત્સાહિત કરવા પર પણ કેન્દ્રીત છે. આ વિદ્યાર્થીઓ કેટલાક મહત્ત્વના સ્થળોની પણ મુલાકાત લે છે, જેમ કે, ગાંધીઆશ્રમ, અડાલજની વાવ તથા અમદાવાદના કિલ્લેબંધ શહેરમાં ચાલતી હેરિટેજ વૉકમાં પણ ભાગ લે છે, જેથી કરીને તેઓ આ શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાની સાથે જોડાઈ શકે અને તેને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકે છે.
કોન્સ્યુલ-એડજોઇન્ટ, કોન્સ્યુલેટ જનરલ ઑફ ફ્રાંસ, મુંબઈ સામી બોઉકાઝી બંને દેશના લોકો વચ્ચેના હૂંફાળા અને મિત્રતાભર્યા સંબંધોને ખૂબ જ બિરદાવ્યાં હતાં તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અદભૂત આંતર-સંસ્કૃતિ વિનિમય કાર્યક્રમને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે વિદ્યાર્થીઓના પર્ફોમન્સની સરાહના કરી હતી અને અમદાવાદની મુલાકાત લેનારા વિદ્યાર્થીઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં રોકાણ દરમિયાન તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો ઊંડો પરિચય પ્રાપ્ત થયો હશે, તેવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ, મુલાકાત લેનારા વિદ્યાર્થીઓએ અમદાવાદમાં ઘર જેવી હૂંફ પ્રાપ્ત થયાંનો આનંદ વ્યક્ત કર્યો હતો, કારણ કે, તેમણે યજમાન પરિવારો સાથે આજીવન મિત્રતા અને ઘનિષ્ઠ જોડાણ બાંધી લીધું હતું. આ ઉપરાંત, તેમણે એ પણ જણાવ્યું હતું કે, આ વિનિમય કાર્યક્રમ તેમને કેવી રીતે નવા પરિપ્રેક્ષ્યને સમજવામાં મદદરૂપ થયો હતો.
વર્ષ 2008માં શરૂ થયેલો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ એ ગુજરાતમાં શાળાના સ્તરે સૌથી લાંબા સમયથી ચાલી રહેલા કાર્યક્રમોમાંથી એક છે. આ વિનિમય કાર્યક્રમના ભાગરૂપે ગત ઑક્ટોબર મહિનામાં એમજીઆઇએસના 20
વિદ્યાર્થીઓએ બે અઠવાડિયા માટે ફ્રાંસની મુલાકાત લીધી હતી, જ્યારે શૈક્ષણિક વર્ષ 2022-2023 દરમિયાન યોજાયેલા આ પ્રોગ્રામની 15મી આવૃત્તિના ભાગરૂપે લાયસી ઇન્ટરનેશનલના 20 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
આ પ્રોગ્રામના સમાપન સમારંભમાં રંગભૂમિ, સંગીત અને નૃત્યના શ્રેણીબદ્ધ પર્ફોમન્સ યોજાયા હતાં, જેમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને ફ્રેન્ચ એમ ચાર ભાષાઓના શાસ્ત્રીય અને સમકાલીન તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.