ખંભાત અને હિંમતનગરની હિંસા અંગે જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા મોંઘવારી અંગે કોંગ્રેસ પ્રમુખ ઠાકોરે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નાસમજ મંત્રીઓ નિવેદન આપે છે કે, યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા મોંઘવારી અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નાસમજ મંત્રીઓ નિવેદન આપે છે કે, યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનની આવે છે. તમારી અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે.
ખંભાત અને હિંમતનગરના બનાવો અંગે તેમણે કહ્યું કે, ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે આવા બનાવો બનતા હોય છે. પ્રધાનમંત્રી આવવાના હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને પકડવામાં આવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. જગદીશ ઠાકોરે કહ્યુ કે, બનાવો બનતા પહેલા કેમ કાર્યવાહી થતી નથી. હવે તમે પાકિસ્તાન અને અફગાનિસ્તાન કનેક્શન કહો છો. વિપક્ષના નેતાના ફોન ટેર કરી શકો છો તો આ વિદેશી ફોન કેમ ટેપ ન થયા. આ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ તેવી તેમણે માગણી કરી છે. તેમણે કહ્યું કે, CCTVના માધ્યમથી જે લોકો સંડોવાયા છે તેની ધરપકડ કરો.
જાણો હાર્દિક પટેલ અંગે જગદીશ ઠાકોરે શું કહ્યુ?
હાર્દિક પટેલના નિવેદન અંગે પણ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પહેલા દિવસથી જ નરેશભાઇને આમંત્રણ આપ્યું છે. અમારા તમામ નેતાઓએ નરેશભાઈનું સ્વાગત છે તેવા જ જવાબો આપ્યા છે. કેટલીક ચર્ચાઓ મીડિયામાં કરવામાં કરવાની નથી હોતી. કોઈ સમાજ કે વ્યક્તિનું અપમાન નથી કરવામાં આવી રહ્યું. નરેશ પટેલે જ કહ્યું છે કે, મારે સમાજને પૂછવાનું બાકી છે. ક્યાં પક્ષમાં જવું તે નિર્ણય નરેશભાઈએ લેવાનો છે. નરેશભાઈ નિર્ણય ન કરે ત્યાં સુધી કોંગ્રેસે જાહેરાત ન કરવાની હોય. હાર્દિકને પૂછી શું કે તમે ક્યાં આધારે આ વાત કરી છે. અમે હાર્દિક પટેલ સાથે બેસીને વાત કરીશું. હાર્દિક પટેલ ક્યાં અનુસંધાને ઉપેક્ષા થતી હોવાનું અનુભવે છે તે જાણીશું. હાર્દિક પટેલ સાથે વાત કરીને જે નિર્ણય લેવાના થશે તે લઈશું.