આવતી કાલથી શરૂ થતી નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે કે નહીં? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગે આગાહી કરી છે કે,ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રી માટે સારા સમાચાર છે.
અમદાવાદઃ આવતી કાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રી માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ રહે.
આમ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની ખૂબ જ નહીવત શક્યતા છે. ત્યારે આ વખતે ખેલૈયાઓ નવરાત્રિમાં મન મૂકીને ગરબા રમી શકશે. નોંધનીય છે કે, કોરોનાકાળમાં શેરી ગરબાને શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર પણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે નવરાત્રિનું આયોજન થાય તેને લઈને એક્શનમાં આવી ગયું છે. પોલીસ વિભાગ દ્વારા પણ નાઇટ કર્ફ્યૂ અને નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને એક્શન પ્લાન બનાવી લીધો છે.
નાઇટ કર્ફ્યૂ પહેલા ગરબા પૂરા થઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવશે. એટલું જ નહીં, કોરોના સંક્રમણ ન થાય તે માટે પણ તંત્ર તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે, સરકારે શેરી ગરબામાં કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે અને કોરોનાની બીજી લહેર અંત તરફ છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. નોંધનીય છે કે, સંક્રમણ ઘટના રાજ્ય સરકારે કોરોનાના નિયમો હળવા કર્યા છે તેમજ આવતી કાલથી શરૂ થતી નવરાત્રિમાં શેરી ગરબાને પરમશીન આપી છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનું રસીકરણ ખૂબ જ સારું છે. ગુજરાતમાં પણ ઘણાં બધા લોકોએ રસી લઈ લીધી છે. લગભગ 82 ટકા રસીકરણ થઈ ગયું છે. જેને કારણે ફરીથી કોરોના માથું ઉંચકે તો તેનાથી પરિસ્થિતિ ગંભીર થવાની સંભાવના ઘણી ઓછી છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે લોકો બેદરકારીથી ફરીએ. આપણે તમામે હજુ પણ માસ્ક પહેરવું જ પડશે. કારણ કે, ઘણા બધા લોકો એવા છે, જેને હજુ એક જ ડોઝ લીધો છે અને એમનો બીજો ડોઝ લેવાનો બાકી છે. એવા લોકો ઝડપથી બીજો ડોઝ લઈ લે.
ડો. મોના દેસાઇએ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, તેમણે નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.