અમદાવાદમાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, અઢી ઈંચ વરસાદમાં રસ્તાઓ પર ભરાયા પાણી
અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થલતેજ, પ્રહલાદનગર, પકવાન, ગોતા, બોપલ, ઘૂમા, શિલજ,સાયન્સ સિટી, વેજલપુર, જીવરાજપાર્ક, મણીનગર, નારોલ, નરોડા, ઘોડાસર, ઈસનપુર, અમરાઈવાડી, ઓઢવ, નિકોલ,રામોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાત્રી બાદ વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી નારોલ ચાર રસ્તા પર પાણી ભરાયા હતા. ઈસનપુર જવાના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. અમદાવાદના કઠવાડાની આવાસ યોજના પાણીમાં ગરકાવ થઇ હતી.
મધુમાલતી આવાસ યોજનામાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. રાત્રી દરમિયાન પાણી ઘરોમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ગત વર્ષે પણ આ આવાસ યોજનામાં વરસાદના પાણી ભરાયા હતા. મધુમાલતી આવાસ યોજનામાં રહેતા 1500થી વધુ લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
અમદાવાદ શેલા વિસ્તારમાં રાત્રીના વરસાદથી પાણી ભરાયા હતા. શેલામાં વરસાદી પાણીની સાથોસાથ ગટરિયા પાણીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ગગનચુંબી ઈમારતો વાળા શેલા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. નજીવા વરસાદમાં જ શેલા વિસ્તારનો વિકાસ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અમદાવાદના શીલજ- હેબતપુર રોડ પર પાણી ભરાતા અનેક વાહનચાલકો ફસાયા હતા. માત્ર દોઢથી બે ઈંચ વરસાદમાં પ્રશાસનની પોલ ખુલી હતી.
ગાંધીનગરમાં પાણી ભરાયા
ગાંધીનગરમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર શહેરમાં 2.68 ઈંચ વરસાદ વરસતા ઠેર- ઠેર પાણી- પાણી ભરાયા હતા. માણસામાં 3.3 તો દહેગામમાં 2.28 ઈંચ વરસાદ વરસ્યો હતો.
વરસાદના કારણે અમદાવાદ-ગાંધીનગરને જોડતા હાઈવે પર પાણી ભરાયા હતા. ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે આવેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. ગાંધીનગર વાવોલને જોડતો અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.
સુરતમાં વરસાદના કારણે પાણી ભરાયા
સુરતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ, કીમ, સાયણ, માંગરોળ, ઉમરપાડા, બારડોલી, મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કીમ ગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. અમૃતનગર વિસ્તારમાં પણ રોડ પર પાણી ભરાયા હતા.
ઓલપાડમાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. બારડોલીમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. બારડોલીના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. સામરિયા મોરા, જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. બારડોલીના ધમરોડ, બાબેનગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.





















