ભાવનગરના ભાલ પંથકમાંથી 75 લોકોનું કરાયું સ્થળાંતર, માઢીયા ગામમાં એકનું મોત
ભાવનગરનો ભાલપંથક વરસાદના પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગયો છે ત્યારબાદ ભાવનગરનું તંત્ર સફાળું જાગ્યું છે

ભાવનગરનો ભાલપંથક વરસાદના પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગયો છે ત્યારબાદ ભાવનગરનું તંત્ર સફાળું જાગ્યું છે અને હવે પાણીનો નિકાલ કરવા માટે ધારાસભ્યના આદેશ બાદ મીઠાના અગરના પાળા તોડવામાં આવી રહ્યા છે. મીઠાના પાળાના કારણે દેવળિયા, પાળીયાદ, સનેસ, માઢીયા, ગણેશ ગઢ, નર્મદ સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે આ પરિસ્થિતિ છેલ્લા 24 કલાકથી બની છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા અને હવે ભાલ પંથકના ગામોમાં તારાજી સર્જાઈ છે. ત્યારબાદ ભાવનગરનું પ્રશાસન સફાળું જાગ્યું છે અને ગેરકાયદે નિર્માણ થયેલા માર્ગ અને પાળાને તોડી કાર્યવાહી કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.
75 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
ભાવનગરના ભાલ પંથકમાંથી 75 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે એક હજાર જેટલા પશુઓને પણ સલામત સ્થળે ખસેડાયા હતા. ગ્રામપંચાયત સંચાલિત શાળામાં લોકોના રહેવા-જમવાની સગવડ કરવામાં આવી છે. ભાલ પંથકના સવાઈ નગર ગામે રહેતા તમામ ઘરોની અંદર પાણી ભરાઈ જતા 75 જેટલા પશુપાલક લોકોને સ્થળાંતર કરાયા છે. 75 લોકોની સાથે 1000 જેટલા નાના મોટા પાલતું પશુને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા તમામ લોકોને ગ્રામ પંચાયતની શાળામાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તંત્ર દ્વારા તમામ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
માઢીયા ગામમાં નદીના પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત
ભાવનગરના ભાલ પંથકના માઢીયા ગામમાં નદીના પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત થયું છે. મોડી રાત્રિના આસપાસ માઢીયા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે પોતાના ઘર નજીક જ પાણીમાં ગરકાવ થઈ જતા ખીમજીભાઇ સોલંકી નામના વ્યક્તિનું મોત થયું છે.
ભાવનગરના ભાલ પંથકમાં આવેલ સનેસ ગામમાં વરસાદના પાણી ઘૂસી જતા સરકારી અનાજ પણ પલળી ગયું છે. મોડીરાત્રીના સમયે નદીના પાણી ગામની અંદર આવી ગયા હતા જેના કારણે લોકોના ઘરમાં, સરકારી સ્કૂલ અને સરકારી હોસ્પિટલમાં પણ ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે, સરકારી અનાજનો જથ્થો બચાવવા માટે ટ્રેક્ટર દ્વારા અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ મૂકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભાવનગરના નારી ગામ નજીક મીઠાના અગરમાં ફસાયેલા તમામ 58 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. શ્રમિકો બે દિવસથી પોતાના પરિવાર સાથે ફસાયા હતા.એલર્ટ હોવા છતાં અગરના માલિકે શ્રમિકોની સુરક્ષા માટે પગલાં નહોતા લીધા.પ્રશાસને તમામને સલામત બહાર કાઢ્યા હતા.





















