ગુજરાતના પાટીદારોને OBCમાં સમાવીને અનામત આપવા મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું એલાન, જાણો વિગત
કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને ઓબીસી ક્વોટા હેઠળ અનામત ના આપી શકાય.

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને ઓબીસી અનામતની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર આપતાં પાટીદારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવીને અનામત આપવાનો માર્ગ મોકળો થયો હોવાની ચર્ચા ચાલી હતી. જો કે કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને ઓબીસી ક્વોટા હેઠળ અનામત ના આપી શકાય.
આ તમામ સમુદાયને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ અને તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં. આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદારોને અનામત મળવા અંગે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
રામદાસ આઠવલેએ કહ્યું કે, 8 લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઈએ. કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું કે, અમારી પહેલેથી માગ રહી છે કે મહારાષ્ટ્રના મરાઠા, ગુજરાતના પાટીદાર કે જેઓ 8 લાખથી ઓછી આવક ધરાવે છે તેમને અનામત આપવી જોઈએ. મહારાષ્ટ્ર સરકાર કેટલા દિવસ ચાલશે એ ખબર નથી પણ ખૂબ જલદી આ સરકાર જતી રહશે. તેમણે કહ્યું કે, હિન્દુઓની સંખ્યા ઓછી થવાનો સવાલ નથી અને વસતી વધારાને રોકવા માટે વન ફેમિલિ વન ચાઈલ્ડનો કાયદો લાવવો જોઈએ એવો અમારી પાર્ટીનો આગ્રહ છે.
2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું 350 અને એનડીએનું 400થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે. નરેન્દ્ર મોદી સરકારે 7 વર્ષમાં અનેક મહત્વના કામ કર્યા છે તેથી લોકો ખુશ છે એવો દાવો તેમણે કર્યો. મોદી સરકારમાં 100 ટકા નાણાં લાભાર્થીઓને પહોંચડવાનું સ્વપ્ન છે. ખાનગીકરણની શરૂઆત કોંગ્રેસે કરી હતી. પરંતુ હવે કોંગ્રેસ તે મામલે રાજનીતિ કરે છે. દેશમાં રસીકરણનું કામ ખુબ સારું થયું છે હું પણ મોદી સરકારનો આભાર માનું છું. જનધન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના,પ્રધાનમંત્રી ઉજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષમાન ભારત યોજનાના લાભ તમામ વર્ગોને મળ્યા છે.





















