Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરૂ થશે ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી
અંબાલાલ પટેલે કહ્યું, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે.
Gujarat Monsoon: ચાલુ વર્ષે અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ છે. જે બાદ રાજ્યમાં ખેડૂતો સહિત તમામ લોકોની નજર ગુજરાતમાં એન્ટ્રી પર છે. આ દરમિયાન આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.
બિપરજોય વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
અંબાલાલે બિપરજોય વાવાઝોડાને લઈ કહ્યું, 9 જૂનથી વાવાઝોડું ફંટાશે પણ આંધી આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે.
આજે દેશમાં ક્યાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 9મી જૂને દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભિવાની, ચરખી દાદરી, ફારુખનગર, કોસલી, સોહાના, રેવાડીની આસપાસના વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવોથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, અલવર, હનુમાનગઢમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બિકાનેર, કોટા, ઉદયપુર, શેખાવતી પ્રદેશ, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં હળવો વરસાદ અને 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
કેરળ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, આંદામાન-નિકોબાર, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીનો અંદાજ છે.