નવી નોકરી તો છોડો પણ 42 લાખ ભારતીયોની નોકરીઓ જોખમમાં, CMIE નો ચોંકાવનારો રિપોર્ટ
બજારોમાં રોજગારીની તકો ઘટતા દેશના શ્રમબળમાં મોટો ઘટાડો, બેરોજગારીનો આંકડો ઘટ્યો પણ કારણ ચિંતાજનક..

CMIE report job loss: દેશમાં રોજગારીની સ્થિતિને લઈને સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના એક રિપોર્ટે ચિંતાજનક ખુલાસા કર્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 42 લાખ ભારતીયોની નોકરીઓ જોખમમાં છે. એટલું જ નહીં, બજારોમાં રોજગારીની તકો ઓછી થવાના કારણે ઘણા લોકોએ હવે નોકરી શોધવાનું પણ બંધ કરી દીધું છે.
CMIE ના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2025 માં દેશનું શ્રમબળ 45.77 કરોડ હતું, જે માર્ચમાં ઘટીને 45.35 કરોડ થઈ ગયું છે. આનો અર્થ એ છે કે માત્ર એક મહિનામાં જ 42 લાખ લોકો શ્રમબળમાંથી બહાર થઈ ગયા છે. શ્રમબળ એટલે દેશમાં કામ કરી રહેલા અથવા કામ કરવા માટે તૈયાર લોકોની સંખ્યા.
રિપોર્ટમાં બેરોજગારીના આંકડાઓ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીમાં બેરોજગારોની સંખ્યા 3.86 કરોડ હતી, જે માર્ચમાં ઘટીને 3.5 કરોડ થઈ ગઈ છે. આ આંકડો વાંચીને એવું લાગે છે કે દેશમાં બેરોજગારી ઘટી રહી છે, પરંતુ CMIE નો રિપોર્ટ આની પાછળનું ચોંકાવનારું કારણ જણાવે છે.
રિપોર્ટ અનુસાર, બજારોમાં રોજગારીની તકો સતત ઘટી રહી છે. જેના કારણે જે લોકો પાસે નોકરી નથી તેઓએ હવે સક્રિયપણે નોકરી શોધવાનું બંધ કરી દીધું છે. આ લોકો હવે બેરોજગારોની યાદીમાં ગણાતા નથી, કારણ કે તેઓ રોજગારની શોધમાં જ નથી. સામાન્ય રીતે જો બેરોજગારીનો દર ઘટે તો તેને અર્થવ્યવસ્થા માટે સારો સંકેત માનવામાં આવે છે, પરંતુ ભારતમાં બેરોજગારીનો દર ઘટવાનું કારણ લોકોને રોજગાર મળવો નથી, પરંતુ લોકોએ રોજગાર શોધવાનું છોડી દેવું છે.
જો આપણે કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2024 ની સરખામણીમાં ઓફિસ કર્મચારીઓની નિમણૂંકમાં 1.4 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ રિટેલ સેક્ટર, ઓઈલ-ગેસ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નવી ભરતીનો અભાવ છે. વર્ષ 2024 ની સરખામણીએ રિટેલ સેક્ટરમાં 13 ટકા, ઓઇલ-ગેસમાં 10 ટકા, શિક્ષણ ક્ષેત્રે 14 ટકા અને આઇટી સેક્ટરમાં ભરતીમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સરકારે તેના ઈ-માર્કેટપ્લેસ GeM દ્વારા વર્ષ 2024-25માં 10 લાખથી વધુ ભરતીઓની સુવિધા આપી હોવા છતાં, CMIE નો રિપોર્ટ જણાવે છે કે બેરોજગારી સામે લડવાના સરકારના પ્રયાસો હજુ પણ અપૂરતા જણાય છે.
CMIE ના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે દર મહિને બેરોજગારોની સંખ્યામાં લગભગ 10 લાખનો વધારો થતો હોય છે. માર્ચ 2021 થી માર્ચ 2025 ની વચ્ચે દર મહિને સરેરાશ 9.9 લાખ લોકો બેરોજગારોની યાદીમાં ઉમેરાયા હતા. પરંતુ હવે બેરોજગારોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું કારણ રોજગારની તકોનો અભાવ છે.
CMIE ના રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 15 થી 59 વર્ષની વયના લોકો વર્કિંગ એજ ગ્રુપમાં આવે છે. ડિસેમ્બર 2024 માં આ વય જૂથના 38 ટકાથી વધુ લોકો પાસે રોજગાર હતો, જે માર્ચ 2025 માં ઘટીને 37.7 ટકા થઈ ગયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં રોજગારીની તકો સતત ઘટી રહી છે, જે એક ચિંતાજનક બાબત છે.





















