ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ હેલ્પલાઇન નંબર ફોનમાં સેવ કરી લો, તમને માત્ર એક કોલ પર દરેક સુવિધા મળશે
ભારતીય રેલ્વેએ તમામ હેલ્પલાઇન નંબર કર્યા બંધ, હવે 139 પર એક કોલથી મેળવો તમામ માહિતી અને મદદ.

Indian Railways helpline: ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રેલ્વે દ્વારા તમામ જૂના હેલ્પલાઇન નંબરોને બંધ કરીને હવે માત્ર એક જ સંકલિત હેલ્પલાઇન નંબર 139 શરૂ કરવામાં આવ્યો છે. આ નંબરને તમારા ફોનમાં સેવ કરવાથી તમને ટ્રેન સંબંધિત કોઈપણ માહિતી, ફરિયાદ કે મદદ માટે અલગ-અલગ નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે.
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમને ટ્રેનના લાઈવ સ્ટેટસ વિશે જાણવું છે અથવા મુસાફરી દરમિયાન કોઈ ફરિયાદ નોંધાવવી છે, તો તમારે ફક્ત રેલ્વેના હેલ્પલાઇન નંબર 139 પર કોલ કરવાનો રહેશે. આ નંબર પર કોલ કરવાથી તમને તમારી જરૂરિયાત મુજબની તમામ સુવિધાઓ માત્ર એક જ કોલમાં મળી જશે, જે તમારી મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.
સૌથી સારી વાત એ છે કે આ હેલ્પલાઇન નંબર 24 કલાક ઉપલબ્ધ છે. એટલે કે, જો તમને રાત્રે કે દિવસ દરમિયાન કોઈપણ સમયે તબીબી સહાયની જરૂર પડે તો પણ તમે 139 પર કોલ કરીને મદદ મેળવી શકો છો.
હવે અલગ-અલગ નંબર યાદ રાખવાની ઝંઝટ ખતમ:
ભારતીય રેલ્વેએ મુસાફરોની સગવડતા માટે તમામ જૂના હેલ્પલાઇન નંબરોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. હવે રેલ્વે સંબંધિત કોઈપણ પ્રકારની મદદ માટે તમારે માત્ર 139 નંબર જ યાદ રાખવાનો રહેશે. આ નંબર પર કોલ કર્યા બાદ તમારે તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. કઈ માહિતી માટે કયો નંબર દબાવવો પડશે તેની વિગત નીચે મુજબ છે:
- નંબર 1: સુરક્ષા અને તબીબી સહાય માટે '1' નંબર દબાવો અને કોલ સેન્ટરના કર્મચારી સાથે વાત કરો.
- નંબર 2: ટ્રેન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે '2' નંબર દબાવો. જેમાં PNR સ્ટેટસ, ટ્રેનના આગમન/પ્રસ્થાનની માહિતી, વેકઅપ એલાર્મ, વ્હીલ ચેર બુકિંગ, ફૂડ બુકિંગ વગેરેનો સમાવેશ થાય છે.
- નંબર 3: કેટરિંગ સંબંધિત ફરિયાદ માટે '3' નંબર દબાવો.
- નંબર 4: સામાન્ય ફરિયાદો માટે '4' નંબર દબાવો.
- નંબર 5: તકેદારી ફરિયાદ માટે '5' નંબર દબાવો.
- નંબર 6: અકસ્માત દરમિયાન પૂછપરછ માટે '6' નંબર દબાવો.
- નંબર 9: તમારી ફરિયાદોની નવીનતમ સ્થિતિ જાણવા માટે '9' નંબર દબાવો.
- * (સ્ટાર): કોલ સેન્ટરના કર્મચારી સાથે સીધી વાત કરવા માટે સ્ટાર (*) દબાવો.
આ હેલ્પલાઇન નંબર IVRS (ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ સિસ્ટમ) પર આધારિત છે અને તે 12 જેટલી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેનાથી મુસાફરોને પોતાની ભાષામાં માહિતી મેળવવામાં સરળતા રહે છે. મહત્વની વાત એ છે કે આ નંબર પર કોલ કરવા માટે તમારે સ્માર્ટફોનની પણ જરૂર નથી, તમે કોઈપણ લેન્ડલાઈન ફોન પરથી પણ 139 ડાયલ કરીને સુવિધાનો લાભ લઈ શકો છો. તો હવે જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો, આ હેલ્પલાઇન નંબરને તમારા ફોનમાં જરૂરથી સેવ કરી લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
