DA Hike : દિવાળી અગાઉ કેન્દ્ર સરકાર આપી શકે છે સરકારી કર્મચારીઓને ભેટ, જાણો વિગતે
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) વધારાનો લાભ આપી શકે છે
7th Pay Commission: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) વધારાનો લાભ આપી શકે છે. આ 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો DA વધારો હોઈ શકે છે, કારણ કે સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. સરકારી કર્મચારીઓને DA વધારાની ભેટ ક્યારે મળી શકે છે અને તેમાં કેટલો વધારો થવાની સંભાવના છે.
DA વધારો ક્યારે ઉપલબ્ધ થશે?
મની કંન્ટ્રોલના અહેવાલ અનુસાર, સરકાર વર્ષમાં બે વાર DA માં સુધારો કરે છે. પહેલી વાર જાન્યુઆરીમાં અને બીજી વાર જૂલાઈમાં. નવો દર 1 જૂલાઈથી અમલમાં આવશે. પરંતુ સામાન્ય રીતે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે. કર્મચારીઓને જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે એરિયર્સ મળે છે.
સરકારી કર્મચારીઓને આશા હશે કે સરકાર તહેવારોની મોસમ પહેલા સપ્ટેમ્બરમાં DA વધારાની જાહેરાત કરશે. આ વખતે દિવાળી 20 ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં સરકાર સપ્ટેમ્બરના પગાર સાથે એરિયર્સ ઉમેરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી ભેટ આપી શકે છે.
DA કેવી રીતે નક્કી થાય છે
ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW) ના આધારે DAની ગણતરી કરવામાં આવે છે. શ્રમ બ્યૂરો દર મહિને આ ડેટા પ્રકાશિત કરે છે. સરકાર છેલ્લા 12 મહિનાના સરેરાશ CPI-IW નો ઉપયોગ કરીને 7મા પગાર પંચના ફોર્મ્યુલા હેઠળ DA નક્કી કરે છે.
હાલમાં DA 55 ટકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં 3 ટકા થી 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. જો સરકાર 3 ટકા–4 ટકાનો વધારો મંજૂર કરે છે, તો DA 58 ટકા–59 ટકા સુધી પહોંચી શકે છે.
કેટલો લાભ થશે?
જો DA 3 ટકા વધે છે તો 18,000 રૂપિયાના બેસિક સેલેરી ધરાવતા એન્ટ્રી-લેવલ કર્મચારીની માસિક આવકમાં લગભગ 540 રૂપિયાનો વધારો થશે. 9,000 રૂપિયાના મૂળ પેન્શન ધરાવતા પેન્શનરોને 270 રૂપિયાનો લાભ મળશે. જોકે, તે સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર રહેશે કે DA કેટલો વધારવામાં આવે છે. કેબિનેટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.




















