8મું પગાર પંચ: ક્યારે બનશે, ક્યારે લાગુ થશે? જાણો સંપૂર્ણ માહિતી
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી, ટૂંક સમયમાં સમિતિની રચના થશે, 2026થી અમલ થવાની સંભાવના, જાણો વિગતો.

8th Pay Commission updates: દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. 16 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો છે. 7મા પગાર પંચનો સમયગાળો ડિસેમ્બર 2026 સુધીનો છે, કારણ કે તેની ભલામણો વર્ષ 2016થી લાગુ કરવામાં આવી હતી અને દરેક પગાર પંચની અવધિ 10 વર્ષની હોય છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરીએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચની સમિતિની રચના માટે પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. નવા પગાર પંચની સ્થાપના બાદ આઠમા પગાર પંચની રચનાની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે, જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળભૂત પગાર, ભથ્થા, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરી શકાય.
8મા પગાર પંચમાં કોનો સમાવેશ થશે?
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચની પેનલના અધ્યક્ષ અને 2 સભ્યોની નિમણૂક કરવા જઈ રહી છે. આ સમિતિ કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર અંગે પોતાના સૂચનો આપશે, ત્યારબાદ પગાર અંગેનો નિર્ણય લેવામાં આવશે. પે મેટ્રિક્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.
8મા પગાર પંચની ભલામણો ક્યારે મળશે?
આ પેનલ 8મા પગાર પંચની સમિતિની રચના થતાં જ તેનું કામ શરૂ કરશે અને સરકારને ભલામણો સબમિટ કરવા માટે લગભગ 11 મહિનાનો સમય હશે. એટલે કે 2026ના અંત સુધીમાં આ પંચનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવી શકે છે અને સંભવતઃ 1 જાન્યુઆરી, 2027થી તે લાગુ થઈ શકે છે.
પગાર પંચનું કાર્ય
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભૂતપૂર્વ કર્મચારીઓનું પેન્શન નક્કી કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે. પગાર પંચ દ્વારા ફુગાવો, કમાણી અને અન્ય ઘણા પરિબળોને ધ્યાનમાં લીધા પછી ભલામણો તૈયાર કરવામાં આવે છે. પગાર પંચ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) સહિત અન્ય ભથ્થાં નક્કી કરવા માટેની ફોર્મ્યુલા પણ તૈયાર કરે છે.
આ પણ વાંચો...
8મું પગાર પંચ: પટાવાળાથી IAS સુધી, કોના પગારમાં કેટલો વધારો થશે?
Salary Hike in 2025: આ વર્ષે તમારા પગારમાં કેટલો વધારો થશે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો




















