ટ્રંપની એક જાહેરાત અને સોનાના ભાવમાં કડાકો, એક સપ્તાહમાં નિચલા સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ
ડૉલર ઇન્ડેક્સમાં વધઘટ અને હાજર બજારમાં નબળી માંગ વચ્ચે શુક્રવારે 4 એપ્રિલના રોજ સવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્થાનિક ફ્યુચર્સ માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.

Gold Prices Today: ડૉલર ઇન્ડેક્સમાં વધઘટ અને હાજર બજારમાં નબળી માંગ વચ્ચે શુક્રવારે 4 એપ્રિલના રોજ સવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સ્થાનિક ફ્યુચર્સ માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, 5 જૂન, 2025 ના રોજ એક્સપાયરી થતા સોનાની કિંમત 9:40 વાગ્યાની આસપાસ 0.59 ટકા ઘટીને 89,524 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થયો છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લગાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 2 એપ્રિલ, 2025 ના રોજ 180 થી વધુ દેશો પર વળતી ટેરિફ લાદવાની સાથે, ટ્રંપે યુએસમાં આયાત કરાયેલા તમામ માલ પર 10 ટકાનો બેઝલાઇન ટેરિફ પણ લગાવ્યો છે, જે વેપારના સામાન્ય નિયમો હેઠળ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવતા માલ પર લાદવામાં આવે છે. જ્યારે, પારસ્પરિક ટેરિફ એ અન્ય દેશોના ટેરિફ પર કાઉન્ટર એક્શન છે.
સોનું એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું છે
ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત બાદના અનિશ્ચિત વાતાવરણને કારણે ઇક્વિટી અને સેફ હેવન ગોલ્ડમાં ભારે વેચવાલી થઈ છે. આ કારણે સોનાના ભાવ એક સપ્તાહના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે, જ્યારે ચાંદી પાંચ સપ્તાહના સૌથી નીચા સ્તરે પહોંચી છે. યુએસ શેરબજાર, ડોલર ઇન્ડેક્સ અને 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. મહેતા ઇક્વિટીઝના કોમોડિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ કલંત્રીએ ધ મિન્ટ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ટ્રમ્પે ઘણી કિંમતી ધાતુઓને નવા ટેરિફમાંથી બહાર રાખી હોવા છતાં, વિશ્વભરના નાણાકીય બજારોમાં સેન્ટિમેન્ટ નેગેટિવ રહે છે. તેનાથી સોના પર દબાણ વધ્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે વિયેતનામથી આયાત થતી ચીજવસ્તુઓ પર 46 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે સૌથી વધુ દરોમાંનો એક છે. યુરોપિયન યુનિયન પર 20 ટકા, સ્વિટ્ઝર્લૅન્ડ પર 31 ટકા અને તાઇવાન પર 32 ટકા ટેરિફ લાદવામાં આવશે. યુનાઇટેડ કિંગડમથી થતી આયાત પર ફક્ત 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રાજકીય અને આર્થિક સંબંધોમાં સ્થિરતાને કારણે હોઈ શકે છે.
ટ્રમ્પે સ્વિટ્ઝર્લૅન્ડ પર 31 ટકા, તાઇવાન પર 32 ટકા, જાપાન પર 24 ટકા, બ્રિટન પર 10 ટકા, બ્રાઝિલ પર 10 ટકા, ઇન્ડોનેશિયા પર 32 ટકા, સિંગાપોર પર 10 ટકા અને દક્ષિણ આફ્રિકા પર 30 ટકા ટેરિફ લાદ્યો છે. તેમણે વિદેશથી આયાત થતી ઓટોમોબાઈલ પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે ઓટો પાર્ટ્સ પર પણ તે જ ટેરિફની જાહેરાત કરી છે. ઓટોમોબાઈલ પરનો નવો ટેરિફ 3 એપ્રિલથી અને ઓટો પાર્ટ્સ પરનો નવો ટેરિફ 3 મેથી અમલમાં આવશે. તે સિવાય બાંગ્લાદેશ પર 37 ટકા, પાકિસ્તાન પર 29 ટકા, શ્રીલંકા પર 44 ટકા, ઇઝરાયલ પર 17 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.





















