Latent View Analytics listing: 197 રૂપિયાનો શેર 530 રૂપિયા પર લિસ્ટ થયો, આ કંપનીએ Paytm ની નિરાશા દૂર કરી
કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલ્યો હતો અને 12 નવેમ્બરે બંધ થયો હતો. તે 326.49 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
ડેટા એનાલિટિક્સ સર્વિસ પ્રોવાઈડર લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સે આજે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીનો સ્ટોક 169 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. તે BSE પર રૂ. 530 અને NSE પર રૂ. 512.20 પર 160 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ કિંમત 197 રૂપિયા હતી. લેટન્ટ વ્યૂ એનાલિટિક્સનાં વિસ્ફોટક લિસ્ટિંગે શેરબજારની Paytmની નિરાશાજનક લિસ્ટિંગની નિરાશા દૂર કરી છે.
લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ માટે બમ્પર લિસ્ટિંગ અપેક્ષિત હતું કારણ કે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 147 અને 152 ટકા વચ્ચે ટ્રેડ થઈ રહ્યું હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે, “આ એવો સ્ટોક છે જેને લાંબા ગાળાના લાભ માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય છે. આનું કારણ એ છે કે કંપનીની ક્ષમતા વિશાળ છે. જો લિસ્ટિંગ પર મજબૂત વળતર મળે તો પણ 50 ટકા શેર વેચવાની ભલામણ છે. બાકીના શેર લાંબા ગાળાના લાભ માટે રાખવા જોઈએ.”
326.49 ગણું સબ્સ્ક્રિપ્શન
કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલ્યો હતો અને 12 નવેમ્બરે બંધ થયો હતો. તે 326.49 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. તમામ કેટેગરીના રોકાણકારોએ કંપનીના IPO માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. NSE ડેટા મુજબ, રૂ. 600 કરોડના લેટન્ટ વ્યૂના 1,75,25,703 શેરના IPOને 5,72,18,82,528 શેર માટે બિડ મળી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો સેગમેન્ટ 850.66 વખત અને પાત્ર સંસ્થાકીય ખરીદદારો (QIBs) સેગમેન્ટ 145.48 વખત સબસ્ક્રાઇબ થયું હતું. રિટેલ રોકાણકારો માટે આરક્ષિત શેરને 119.44 ગણી બિડ મળી હતી.
LatentView Analytics અમેરિકા, યુરોપ (નેધરલેન્ડ, જર્મની, યુકે) અને એશિયા (સિંગાપોર)માં તેની પેટાકંપનીઓ દ્વારા ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરે છે. તેની વેચાણ કચેરીઓ સેન જોસ, લંડન અને સિંગાપોરમાં આવેલી છે.
કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો, છેલ્લા ત્રણ વર્ષમાં તેનો ચોખ્ખો નફો (કર પછીનો નફો) સતત વધ્યો છે. નાણાકીય વર્ષ 2019માં તેનો ચોખ્ખો નફો રૂ. 59.67 કરોડ હતો, જ્યારે નાણાકીય વર્ષ 2020માં રૂ. 72.84 કરોડ અને નાણાકીય વર્ષ 2021માં રૂ. 91.46 કરોડનો નફો થયો હતો.