તમારું PAN કાર્ડ ગમે ત્યારે થઈ જશે બ્લોક! જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો મુશ્કેલી થશે
PAN card inoperative date: આધાર એનરોલમેન્ટ આઈડીથી પાન કાર્ડ મેળવનારાઓ માટે ચેતવણી, 31 ડિસેમ્બર સુધીમાં કરો આ કામ.

PAN Aadhaar linking deadline: કેન્દ્ર સરકારે પાન કાર્ડ ધારકો માટે એક નવી ચેતવણી જાહેર કરી છે. જો તમે આધાર એનરોલમેન્ટ આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું છે, તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબર સાથે બદલવું પડશે. અન્યથા તમારું PAN કાર્ડ 31 ડિસેમ્બર, 2025 થી કામ કરવાનું બંધ કરી શકે છે.
સરકારનું માનવું છે કે જે લોકોએ આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ મેળવ્યું છે, તેઓએ હવે તેમના મૂળ આધાર કાર્ડ નંબર સાથે તેને અપડેટ કરવું જોઈએ. આ નિયમ તમામ આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે, જેમાં પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આધાર નંબર સાથે તેમના પાન કાર્ડની ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સરકારી સૂચના અનુસાર, એવા તમામ પાન કાર્ડ ધારકો જેમણે 1 ઓક્ટોબર, 2024 પહેલાં આધાર માટે અરજી કરી હતી અને એનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ મેળવ્યું છે, તેમણે હવે તેમનો આધાર નંબર આવકવેરા વિભાગને જણાવવો પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આવા તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી અપડેટ કરવાની રહેશે.
પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવા માટે, હાલની પાન-આધાર લિંકિંગની પ્રક્રિયાનો જ ઉપયોગ કરવામાં આવશે. પાન કાર્ડ ધારકે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને પાન-આધાર લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે PAN આધાર લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 હતી અને હવે આમ કરવા બદલ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. પરંતુ જે લોકોએ એનરોલમેન્ટ આઈડી દ્વારા પાન કાર્ડ મેળવ્યું હતું, તેમની પાસે તે સમયે આધાર નંબર ઉપલબ્ધ નહોતો. તેથી, આવા પાન કાર્ડ ધારકો 2023ની સમયમર્યાદામાં લિંકિંગ કરી શક્યા નહોતા અને શક્ય છે કે તેમને આ દંડમાંથી મુક્તિ મળી શકે.
જો તમે PAN કાર્ડ ધારક છો અને 31 ડિસેમ્બર 2025 સુધીમાં PANને આધાર નંબર સાથે લિંક નહીં કરો, તો સંભવ છે કે તમારું PAN 1 જાન્યુઆરી 2026થી નિષ્ક્રિય થઈ જશે. જો કે આ અંગેની સંપૂર્ણ માહિતી આવકવેરા વિભાગ પાસેથી મેળવી શકાય છે. સામાન્ય રીતે, સરકાર દ્વારા PAN અને આધારને લિંક ન કરવામાં આવે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. તેથી, જો તમે આધાર એનરોલમેન્ટ આઈડીથી પાન કાર્ડ મેળવ્યું હોય તો નિર્ધારિત સમયમર્યાદામાં તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાનું ભૂલશો નહીં.





















