કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ITR પર આવ્યું મોટું અપડેટ, નવો ટેક્સ કોડ લઈને આવી સરકાર
આ અંતર્ગત સોશિયલ મીડિયાથી કમાણી કરનારાઓ માટે એક નવો કોડ 16021 રજૂ કરવામાં આવ્યો છે

Income Tax Return 2025: જો તમે કન્ટેન્ટ ક્રિએટર અથવા ઇન્ફ્લુએન્સર છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારા માટે આવકનો સ્ત્રોત છે, તો આ ટેક્સ સીઝનમાં એક મોટું અપડેટ છે. વાસ્તવમાં આવકવેરા વિભાગે ITR-3 અને ITR-4 ફોર્મમાં મોટો ફેરફાર કર્યો છે.
આ અંતર્ગત સોશિયલ મીડિયાથી કમાણી કરનારાઓ માટે એક નવો કોડ 16021 રજૂ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 (મૂલ્યાંકન વર્ષ 2025-26) માટે આવકવેરા રિટર્ન (ITR) યુટિલિટીઝ દ્વારા બનાવવામાં આવેલ આ કોડ ખાસ કરીને તે ઈન્ફ્લૂએન્સર્સ માટે છે જેઓ પ્રમોશન, પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ અથવા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન દ્વારા કમાણી કરે છે.
ઇન્ફ્લુએન્સરને રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહેશે
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંક સિંગલાએ જણાવ્યું હતું કે, આ કોડ હવે ITR-3 અને ITR-4 (સુગમ) બંનેમાં 'પ્રોફેશન' કેટેગરી હેઠળ એક્ટિવ છે. ફોર્મ ભરવા માટે આ કોડ્સ ઓનલાઇન અને ઓફલાઇન બંને પદ્ધતિઓમાં ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, હવે ઇન્ફ્લુએન્સરે તેમની આવક અને કર પસંદગીના આધારે ITR-3 અથવા ITR-4 (સુગમ) ભરવાનું રહેશે. જ્યારે અત્યાર સુધી ઇન્ફ્લુએન્સરની કમાણી માટે કોઈ અલગ કેટેગરી નહોતી. આ પગલાનો ઉદ્દેશ્ય ક્રિએટર્સ, ઓનલાઈન કોચ, બ્લોગર્સ અને ગિગ વર્કર્સ માટે કર પાલનને સરળ બનાવવાનો છે.
દેશમાં ડિજિટલ અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે. એક અહેવાલ મુજબ, તેનું બજાર 2025ના અંત સુધીમાં 2.8 બિલિયન ડોલર (લગભગ 23,500 કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. હવે આ નવા કોડ દ્વારા આવકવેરા વિભાગ ઇન્ફ્લુએન્સરની કમાણી પર કડક નજર રાખી શકશે અને કરચોરી પણ ઓછી થશે.
સૌથી મહત્વની વાત એ છે કે બિલમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે જે લોકોની આવક કરવેરાના દાયરામાં નથી આવતી તેમને TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) રિફંડ મેળવવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં ITR (આવકવેરા રિટર્ન) ફાઇલ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપવી જોઈએ. એટલે કે, જો તમારી આવક એટલી નથી કે તમારા પર કર લાદવામાં આવે છે તો રિફંડ માટે ફક્ત ITR વહેલા ફાઇલ કરવાની જરૂર નથી. ઉપરાંત, સમિતિ માને છે કે આવા લોકો પર મોડું ITR ફાઇલ કરવા બદલ દંડ લાદવો યોગ્ય નથી. આ ભલામણ સામાન્ય લોકો માટે ખાસ કરીને એવા કરદાતાઓ માટે મોટી રાહત બની શકે છે જેઓ ઓછી આવક હોવા છતાં તેમના TDS રિફંડ વિશે ચિંતિત છે.





















