EPFOના આ નવા નિયમથી વધશે તમારુ ટેન્શન, PFના રૂપિયા ક્રેડિટ થવામાં આવશે સમસ્યા
પરંતુ આ નવો નિયમ ઘણા કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) બનાવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. 1 ઓગસ્ટ, 2025થી નવા UAN માટે આધાર કાર્ડ સાથે ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કામ ફક્ત UMANG એપ દ્વારા જ કરી શકાય છે.
પરંતુ આ નવો નિયમ ઘણા કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જે કર્મચારીઓનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી અથવા જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા યોગ્ય કેમેરા નથી તેમને ફેસ ઓથેન્ટિકેશનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના કારણે તેમનો UAN અટકી શકે છે.
UANમાં વિલંબ થવાને કારણે PF ખાતું એક્ટિવ થશે નહીં
જો UAN બનાવવામાં નહીં આવે તો કર્મચારીનું PF ખાતું પણ એક્ટિવ થશે નહીં અને આવી સ્થિતિમાં તેમના PF ના પૈસા દર મહિને સમયસર જમા થશે નહીં, જેના કારણે PF બેલેન્સમાં વિલંબ થશે. જોકે, જેઓ પહેલાથી જ EPFO માં નોંધાયેલા છે અને જેમની પાસે પહેલાથી જ UAN નંબર છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, આ નવો નિયમ ફક્ત નવા કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે.
કોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે?
આ નવી સિસ્ટમ ખાસ કરીને એવા લોકો માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે જેમનો મોબાઇલ નંબર તેમના આધાર કાર્ડ સાથે લિંક નથી. આ ઉપરાંત, ક્યારેક મોબાઇલ ફોનનો કેમેરા સારો નથી, જેના કારણે ફેસ સ્કેનિંગમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આ ઉપરાંત, મોટી સ્ટાફિંગ કંપનીઓ, જે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને નોકરીઓ પૂરી પાડે છે, તેમને આ નવી પ્રક્રિયામાં સૌથી વધુ મુશ્કેલી પડી શકે છે.
ઉમંગ એપ શું છે અને તે કેવી રીતે મદદ કરશે?
ઉમંગ એપ ભારત સરકારની એક મોબાઇલ એપ છે, જેમાં EPFO સહિત ઘણી સરકારી સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. નવા કર્મચારીઓએ હવે આ એપનો ઉપયોગ કરીને પોતાનો ચહેરો ઓન્થેટિકેશન કરાવવો પડશે તો જ તેમનો UAN નંબર બનાવવામાં આવશે.
ફેસ ઓથેન્ટિકેશન શા માટે જરૂરી છે?
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે એક જ વ્યક્તિના નામે બે UAN નંબર બનાવવામાં આવે છે અથવા UAN ભૂલથી કોઈ બીજાના આધારમાંથી બનાવવામાં આવે છે. આવી ભૂલો ટાળવા અને ઓળખને સંપૂર્ણપણે સાચી બનાવવા માટે EPFO એ આ ફેસ રેકગ્નિશન ટેકનોલોજી (ફેસ ઓથેન્ટિકેશન) લાગુ કરી છે.





















